JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

જામનગરથી મોટી બાણુંગાર ઉમીયા માતાજી મંદિર સુધી ભક્તિભાવપૂર્વક ત્રીજી પદયાત્રાનું પ્રસ્થાન

જામનગરથી મોટી બાણુંગાર ઉમીયા માતાજી મંદિર સુધી ભક્તિભાવપૂર્વક ત્રીજી પદયાત્રાનું પ્રસ્થાન
માતાજીના પ્રાગ્ટયના ત્રીજા મહોત્સવ નિમિત્તે જામનગરથી મોટી બાણુંગાર સુધી સર્વસમાજના કલ્યાણની ભાવના સાથે ભવ્ય પદયાત્રા શરૂ થઈ છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે.

જામનગર શહેરના લાલવાડી સ્થિત ત્રિમંદિર ખાતેથી સોમવારે સવારે ૫ કલાકે શ્રી ઉમીયા માતાજી મંદિર મોટી બાણુંગાર સુધીની ત્રીજી પદયાત્રાનું હર્ષોલ્લાસભેર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શ્રી ઉમીયા માતાજીના પ્રાગ્ટયના ત્રીજા મહોત્સવના પાવન અવસર પર યોજાયેલી આ પદયાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ સર્વે સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની ભાવના પ્રસારિત કરવાનો તેમજ સામાજિક એકતાનું પ્રતીક સ્થાપિત કરવાનો છે. વહેલી સવારથી જ મા ઉમીયાના જયઘોષ સાથે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ પદયાત્રાને નગરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. પૂર્વ જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટર નિર્મળાબેન વીરસોડીયા તેમજ એડવોકેટ અને નોટરી પી. વી. ભેસદડીયાએ વિશેષ ઉપસ્થિત રહીને પદયાત્રિકોનો ઉત્સાહ વધાર્યો હતો. પદયાત્રાના સમગ્ર માર્ગ પર ભક્તો માટે દાતાઓ દ્વારા ચા, પાણી, આઈસ્ક્રીમ અને નાસ્તાની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ ઊર્જાવાન બનીને આગળ વધતા રહે.

આ પદયાત્રા નિર્ધારિત સમય મુજબ સવારે ૧૧ વાગ્યે શ્રી ઉમાધામ સંસ્થાન સંચાલિત મોટી બાણુંગાર સ્થિત શ્રી ઉમીયા માતાજી મંદિરે પહોંચશે. જ્યાં પ્રાગ્ટય મહોત્સવમાં ઉપસ્થિત તમામ ભક્તો માતાજીના યજ્ઞના સાક્ષી બનશે અને ત્યારબાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે. અંતમાં તમામ ભક્તો સાથે મળીને સમૂહ પ્રસાદ ગ્રહણ કરશે અને ધન્યતા અનુભવશે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે શ્રી ઉમાધામ સંસ્થાન તેમજ વર્ષાબેન ભેંસદડીયા, જે.ડી. કાનાણી, હસમુખભાઈ ભેંસદડીયા, કિશોરભાઈ ભેંસદડીયા સહિતના અસંખ્ય સ્વયંસેવક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી છે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES