JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

જામનગરના 'છોટીકાશી'માં આવતીકાલે શ્રી ૫ નવતનપુરી ખીજડા મંદિરના સ્થાપના દિને ભવ્ય 'પૃથ્વી પરિક્રમા' યોજાશે

જામનગરના 'છોટીકાશી'માં આવતીકાલે શ્રી ૫ નવતનપુરી ખીજડા મંદિરના સ્થાપના દિને ભવ્ય 'પૃથ્વી પરિક્રમા' યોજાશે
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના પ્રમુખ તીર્થધામ જામનગરના ખીજડા મંદિરે કારતક સુદ પૂનમના પાવન અવસરે જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ભવ્ય પૃથ્વી પરિક્રમા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં સુંદરસાથજી જોડાશે.

ગુજરાતના જાણીતા ધાર્મિક કેન્દ્ર અને 'છોટીકાશી' તરીકે ઓળખાતા જામનગર શહેરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયના પ્રમુખ તીર્થધામ એવા શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરનો સ્થાપના દિવસ આગામી તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૬ મંગળવાર અને કારતક સુદ પૂનમના પાવન દિવસે ઉજવવામાં આવશે. આ વિશેષ અવસરે અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજની પાવન નિશ્રામાં પરંપરાગત 'પૃથ્વી પરિક્રમા' (પ્રભાત ફેરી) યાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે. આવતીકાલે સવારે ૬:૦૦ કલાકે મંદિર પરિસરેથી ધર્મની ધ્વજા સાથે આ પદયાત્રાનો મંગલ પ્રારંભ થશે, જે અનેક ધાર્મિક આયોજનો સાથે આગળ વધશે.

આ પદયાત્રા દરમિયાન સુંદરસાથજી ભજન-કીર્તન, દિવ્ય ધૂન અને મહેર સાગરના ગાન સાથે પ્રયાણ કરીને મૂળમિલાવા ખાતે પહોંચશે. ઉલ્લેખનીય છે કે આ એ જ પવિત્ર સ્થળ છે જ્યાં ભૂતકાળમાં ૧૨,૦૦૦ પારાયણો સંપન્ન થયા હતા. આ સ્થળે પૂજન, આરતી, મહેર સાગરના પાઠ અને વિશેષ સત્સંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તમામ પદયાત્રીઓ માટે મહાપ્રસાદ અને ભોજનની પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે, જ્યારે પરત ફરવા માટે નગરપાલિકાની બસ તેમજ અન્ય વાહનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી ભાવિકોને કોઈ અગવડ ન પડે.

શાસ્ત્રો અને સનાતન સંસ્કૃતિમાં પરિક્રમાનું આધ્યાત્મિક મહત્ત્વ ખૂબ જ મોટું છે. કારતક સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન ગણેશજીએ માતા-પિતાની કરેલી પરિક્રમાથી માંડીને ભગવાન શ્રીકૃષ્ણની ગોવર્ધન પરિક્રમા અને નર્મદા પરિક્રમાનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું માહાત્મ્ય છે. મહામતિ શ્રી પ્રાણનાથજીએ આ ધામને ચૌદ લોકમાં શ્રેષ્ઠ ગણાવ્યું છે અને અહીં સ્વયં શ્રી રાજશ્યામાજી બિરાજે છે. સ્થાપના દિન નિમિત્તે યોજાતી આ પૃથ્વી પરિક્રમામાં જોડાવાથી જીવના કર્મબંધન છૂટી જાય છે અને સમગ્ર પૃથ્વી સહિત પરમધામ સુધીના દર્શનનું અદ્ભુત પુણ્યફળ પ્રાપ્ત થાય છે, તેથી આ ધાર્મિક મહોત્સવનો મહત્તમ લાભ લેવા આયોજકો દ્વારા તમામ ભાવિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES