દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ તંત્રમાં શિસ્તના ભંગ બદલ એક મોટી કાર્યવાહી સામે આવી છે. જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) માં ફરજ બજાવતા હરદાસ ગઢવી નામના પોલીસ કર્મચારીની ગેરવર્તણૂક અને શિસ્તભંગની પ્રવૃત્તિઓ સામે આવતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ (સસ્પેન્ડ) કરવાનો સખત હુકમ જારી કર્યો છે. આ આદેશને પગલે સ્થાનિક પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ છે અને પોલીસ કર્મચારીઓમાં આંતરિક ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સસ્પેન્ડ કરાયેલા આ પોલીસ કર્મચારી પોલીસ લાઈનમાં જ રહેઠાણ ધરાવે છે અને ત્યાં અવારનવાર લડાઈ-ઝઘડા તેમજ અશોભનીય વર્તન કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. પોલીસ વિભાગ જેવા અનુશાસિત દળમાં રહીને આ પ્રકારની ગેરશિસ્ત આચરવા બદલ ઉચ્ચ અધિકારીઓએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો હતો. પોલીસ કર્મચારીઓની છબી ખરડાઈ રહી છે અને સામાન્ય જનતામાં પોલીસ વિભાગ પ્રત્યે ખોટો સંદેશ ન જાય તે હેતુથી જિલ્લા પોલીસ વડાએ આ દંડાત્મક પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસઓજી વિભાગમાં વિવાદોની હારમાળા યથાવત રહી છે. તાજેતરમાં જ એક ચર્ચાસ્પદ 'તોડકાંડ'ની ફરિયાદના પગલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એક એએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી, એટલું જ નહીં પરંતુ આ પ્રકરણમાં વિભાગના જવાબદાર પીઆઈનું પણ ફરજનું સ્થળ બદલવામાં આવ્યું હતું. આ હાઈપ્રોફાઈલ ફેરફારોની શાહી હજુ સૂકાઈ નથી ત્યાંજ એસઓજીના વધુ એક કર્મચારી સસ્પેન્ડ થતા જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
