જામનગર શહેરના સુમેર ક્લબ રોડ વિસ્તારમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ શનિવારે બપોરે પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પીએસઆઈ ડી.જી. રામાનુજને ચોક્કસ બાતમી મળી હતી કે મિગ કોલોનીથી નવા બસ સ્ટેન્ડ તરફ જતા રોડ પરથી પસાર થતી એક મોટરમાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો હેરફેર કરવામાં આવી રહ્યો છે. આ બાતમીની ગંભીરતાને ધ્યાને લઈને પીઆઈ વી.એમ. ડોડિયાને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે તે માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી.
વોચ દરમિયાન બાતમીવાળી બ્રીઝા કાર ત્યાંથી પસાર થતા પોલીસ કાફલાએ તેને રોકીને તલાસી લીધી હતી. કારમાં સવાર બેડી વિસ્તારના ધરારનગર-૨માં રહેતા સબીરભાઈ જકરભાઈ ચંગડા ઉર્ફે ભડાલા નામના શખ્સની ઝીણવટભરી તપાસ કરતા તેની પાસેથી ૪.૧૯ ગ્રામ વજનનો મેફેડ્રોન ડ્રગ્સનો પાવડર મળી આવ્યો હતો. પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા તેણે આ નશીલો પદાર્થ રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા શાહરૂખ ઉર્ફે મહારાજ નામના શખ્સ પાસેથી ખરીદ્યો હોવાનું કબૂલ્યું હતું.
પોલીસે ડ્રગ્સના આ જથ્થા ઉપરાંત સિરીંજ સાથેના ત્રણ ઇન્જેક્શન, ૨,૮૫૦ રૂપિયા રોકડા, એક મોબાઈલ ફોન અને પાંચ લાખ રૂપિયાની કિંમતની કાર સહિત કુલ ૫,૪૯,૭૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પીએસઆઈ ડી.જી. રામાનુજ દ્વારા ઝડપાયેલા સબીર અને ડ્રગ્સ વેચનાર શાહરૂખ વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
