જામનગર શહેરના અગ્રણી નુરાની ચેરીટેબ ટ્રસ્ટ દ્વારા સામાજિક અને માનવતાવાદી અભિગમ સાથે સમૂહ લગ્નોત્સવની પરંપરાને આગળ વધારવામાં આવી રહી છે. આ સિલસિલાને જારી રાખતા આગામી તા. ૨૯-૧૧-૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે યા પીર એદ્રુશપીર બગદાદી દરગાહ શરીફ ખાતે ૧૫મા સમૂહ શાદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુબારક પ્રસંગે કુલ ૧૨ દુલ્હા-દુલ્હન શરઈ કાયદા મુજબ પોતાના નવા જીવનની શરૂઆત કરશે અને નિકાહ પઢશે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા વહેલી સવારથી જ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ ધાર્મિક અને માંગલિક અવસરે મુખ્ય કાર્યક્રમ અગાઉ સવારે ૧૦ વાગ્યે વિશેષ 'વાએઝ શરીફ'ના પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગરના જાણીતા પીરે તરીકત સૈયદ હાજી યુસુફબાપુ પોતાની ખાસ અને પ્રભાવશાળી શૈલીમાં નુરાની તકરીર રજૂ કરશે, જે ઉપસ્થિત જનમેદની માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સાથે જ આલીમોકારી સૈયદ કાદરી અબ્બાસબાપુ મોતીયુંવારા નિકાહ પઢાવવાની વિધિ પૂર્ણ કરાવશે. આ પવિત્ર કાર્યક્રમની શોભા વધારવા માટે ધોરાજીથી પીરે તરીકત સૈયદ હાજી આમીનબાપુ પણ ખાસ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે.
આ નુરાની જલ્સા અને સમૂહ લગ્નોત્સવના પવિત્ર અવસરે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નુરાની ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જનાબ હાજી અબ્દુલ રઝાકભાઈ ખલીફા તેમજ ખલીફા ગ્રુપ-જામનગર અને ભરાણા ટીંબડીના સહયોગથી આ સમગ્ર આયોજન પાર પડી રહ્યું છે. સંચાલકો દ્વારા તમામ નવદંપતીઓને આશીર્વાદ આપવા અને આ માનવતાના કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે, જેથી આ ઉત્સવ સામાજિક એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બની રહે.
