પાટડી તાલુકાના ધામા ફીડર હેઠળ આવતા ઝીંઝુવાડા અને તેની આસપાસના ચાર જેટલા ગામોના હજારો ખેડૂતો હાલમાં ગંભીર વીજ સમસ્યાથી ત્રસ્ત છે. શિયાળાની ઋતુમાં ખેડૂતો દ્વારા મોટા પાયે રવિ પાકનું વાવેતર અને ખેતરમાં સિંચાઈ સહિતનું મહત્વનું કામ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જીરાની મુખ્ય સિઝન ચાલી રહી છે ત્યારે વીજળીના અણધારીકાપ અને અનિયમિત પુરવઠાને કારણે ખેડૂતોની ચિંતાઓમાં મોટો વધારો થયો છે. ખેતરે પહોંચ્યા બાદ અચાનક વીજળી ગુલ થઈ જવાના કારણે દિવસભરનું આયોજન બગડી જાય છે અને સમયસર પાણી કે પિયત ન મળવાને કારણે પાકને નુકસાન થવાની ભીતી પણ સેવાઈ રહી છે.
આ વીજ કટોકટીના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે. નગવાડા ગામના ખેડૂત ઇસાભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ખેતરમાં જીરાના પાક માટે વહેલી સવારે બે મજૂરોને રોજના પાંચસો રૂપિયાના મજૂરી દરે બોલાવવામાં આવે છે. મજૂરોનો ખોરાક અને અન્ય પરચૂરણ ખર્ચ ગણતા રોજનો કુલ ખર્ચ અંદાજે પંદર રૂપિયા સુધી પહોંચે છે. સવારે ખેતરે પહોંચ્યા બાદ જો વીજળી ઉપલબ્ધ ન હોય તો મજૂરો પાસે કામ કરાવવું અશક્ય બને છે, પરિણામે કોઈ પણ પ્રકારના કામ વગર જ મજૂરીનો આર્થિક ભાર સીધો ખેડૂતોના માથે પડે છે. છેલ્લા પાંચ દિવસથી આ જ પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સમગ્ર પ્રશ્ને દસાડા પીજીવીસીએલ (PGVCL) ના ડેપ્યુટી ઇજનેર પરમારભાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કેટલાક ખેડૂતો થ્રી-ફેઝને બદલે સિંગલ-ફેઝ મોટરનો ઉપયોગ કરે છે, જેના કારણે એક જ ફેઝ પર અતિશય ભારણ વધવાથી પેનલનું સંતુલન બગડે છે. લોડ વીસ ટકાથી વધુ અસંતુલિત થાય ત્યારે ઓટો ટ્રિપિંગની સમસ્યા સર્જાય છે અને સાથે જ કેટલાક ખેડૂતો દ્વારા યોગ્ય પેનલ બોર્ડ કે પ્રોટેક્શન સાધનો ન વપરાતા આખો લોડ સીધો પેનલ પર પડે છે. જો કે, વીજ તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઈને તાત્કાલિક અસરથી રિપેરિંગ અને સુધારણા માટેનો સ્ટાફ મેદાનમાં ઉતારી દેવામાં આવ્યો છે જેથી ટૂંક સમયમાં જ વીજ પુરવઠો રાબેતા મુજબ થઈ શકે.
