મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે પૂરતું અને વહેલું વળતર મેળવવા માટે છેલ્લા છ મહિનાથી ખેડૂતો દ્વારા સત્યાગ્રહ છાવણી ધમધમી રહી છે. પોતાની હક્કની માગણીઓ માટે ખેડૂતોએ અગાઉ આવેદનપત્ર, રેલી, ઉપવાસ અને આમરણાંત ઉપવાસ જેવા અનેક લોકશાહી માર્ગો અપનાવ્યા હોવા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો નથી. સરકારની આ ઉદાસીનતા સામે રોષે ભરાયેલા ખેડૂતોએ હવે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે, જેના ભાગરૂપે જેતપર ખાતે પત્રકાર પરિષદ યોજીને આગામી ૧૦ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ 'કિસાન અધિકાર મહાપંચાયત' યોજવાનું ભવ્ય એલાન કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ ખેડૂત આગેવાનો પાટીદાર સમાજની સીદસર સંસ્થાના અગ્રણીઓને સાથે રાખીને સરકાર સમક્ષ રજૂઆત કરવા ગયા હતા અને ત્યાં ૨૪ જેટલી મહત્વપૂર્ણ માગણીઓ મૂકવામાં આવી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે સરકાર દ્વારા આમાંથી એક પણ માગણી સ્વીકારવામાં આવી હોવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આંદોલનકારી પ્રતિકભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકારના આ અસહકારના વલણને કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને રાજ્યભરના ખેડૂતોએ આ લડતને મજબૂત સમર્થન આપવાની જાહેરાત કરી છે.
આગામી ૧૦ જાન્યુઆરીએ બપોરે ૨:૦0 કલાકે યોજાનાર આ મહાપંચાયતમાં દૂર-દૂરથી આવનારા ખેડૂતોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે આયોજકો દ્વારા અત્યારથી જ વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિકેતભાઈ પંચાસરાના જણાવ્યા અનુસાર, સભાસ્થળને સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને વાહન પાર્કિંગ માટે યોગ્ય સુવિધાઓ ઉભી થાય તે માટે ખાસ આયોજન કરાયું છે. સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં ખેડૂતો આ મહાપંચાયતમાં ઉમટી પડશે અને સરકાર સમક્ષ પોતાની પ્રબળ તાકાત તેમજ રોષ પ્રદર્શિત કરશે.
