કાલાવડ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અન્નદાતાઓ પોતાની મહેનતનો પાક લઈને માર્કેટિંગ યાર્ડમાં પહોંચતા હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા તેમને અહિયાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. યાર્ડમાં પ્રવેશ મેળવવા માટે ખેડૂતોના વાહનોને બેથી ત્રણ દિવસ સુધી લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. આ ગંભીર સમસ્યા અંગે એક જાગૃત ખેડૂતે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી તંત્રની પોલ ખોલી નાખી છે, જેમાં યાર્ડની વહીવટી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
વાયરલ થયેલા વીડિયો અને ખેડૂતોના આક્ષેપ મુજબ, યાર્ડમાં પક્ષપાતી વહીવટ ચાલતો હોવાની આશંકા સેવાઈ રહી છે. કેટલાક પસંદગીના અને ખાસ વ્યક્તિઓ માટે યાર્ડના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે, જ્યારે સામાન્ય અને મહેનતુ ખેડૂતોએ પોતાના વાહનો સાથે કલાકો અને દિવસો સુધી રાહ જોવી પડે છે. અનેક વખત સત્તાધીશો સમક્ષ મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં આ કથિત અનીતિ અને સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ અસમંજસભરી સ્થિતિ વચ્ચે ખેડૂતોને યાર્ડની બહાર છાપરા વગર ખુલ્લા આકાશ નીચે પોતાની જણસી ઉતારવા મજબૂર બનવું પડે છે. બીજી તરફ, વેપારીઓ દ્વારા ખરીદવામાં આવેલો માલ સમયસર છાપરામાંથી ખસેડવામાં ન આવવાને કારણે જગ્યા રોકાયેલી રહે છે અને નવા માલની આવક અટકે છે. ખેડૂતોના કલ્યાણ માટે બનેલા આ યાર્ડમાં જો અન્નદાતાઓએ જ હેરાન થવું પડે તો તેની નૈતિક જવાબદારી કોની? તેવા સવાલો સાથે હવે પારદર્શક વહીવટની માંગ ઉઠી છે.
