આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મોબાઇલના યુગમાં જ્યારે યુવાધન સોશિયલ મીડિયા અને ડિજિટલ મનોરંજન પાછળ સમય વેડફી રહ્યું છે, ત્યારે વલસાડ જિલ્લાના રજવાડી નગરી ધરમપુરમાં એક અનોખું ચિત્ર જોવા મળે છે. અહીં નગરપાલિકા સંચાલિત ૧૪૦ વર્ષ જૂની શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં સવારથી જ યુવાઓ વાંચવા માટે લાંબી કતારો લગાવે છે. આ લાઇબ્રેરી માત્ર પુસ્તકોનું સંગ્રહસ્થાન નથી, પરંતુ આદિવાસી બહુલ આ વિસ્તારના યુવાનો માટે કારકિર્દી ઘડતરનું મંદિર બની ગઈ છે. અહીંની શિસ્ત અને વાંચન પ્રત્યેનો લગાવ આજના ડિજિટલ યુગમાં પણ પુસ્તકોના સાચા મહત્વની પ્રતીતિ કરાવે છે.
આ લાઇબ્રેરીનો ઈતિહાસ ખૂબ જ ગૌરવશાળી છે. ૧૪૦ વર્ષ પહેલાં, ૧ ઓક્ટોબર ૧૮৮૬ના રોજ, ધરમપુરના રાજવી મહારાણા શ્રી નારણદેવજીએ આ વિસ્તારમાંથી નિરક્ષરતા નાબૂદ કરવાના ઉમદા હેતુથી આ જ્ઞાનપીઠની સ્થાપના કરી હતી. સમય જતાં આ લાઇબ્રેરીએ તેનું સ્વરૂપ બદલ્યું છે અને આજે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગ્રંથપાલ નિમેષભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર, અહીં માત્ર વલસાડ જ નહીં પરંતુ નવસારી જિલ્લાના ખેરગામ અને વાંસદા તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં યુવાઓ તૈયારી કરવા આવે છે. આ લાઇબ્રેરીમાં અંદાજે ૧૯,૦00 જેટલા મૂલ્યવાન પુસ્તકોનો સમૃદ્ધ સંગ્રહ છે, જે વાચકો માટે જ્ઞાનનો અખૂટ ભંડાર પૂરો પાડે છે.
ધરમપુરની આ લાઇબ્રેરીના માધ્યમથી અત્યાર સુધીમાં ૧૦૧ જેટલા ઉત્સાહી યુવક-યુવતીઓએ સરકારી નોકરી મેળવીને પોતાના પરિવાર અને સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. રોજબરોજ ૧૦૦થી વધુ ઉમેદવારોની અવરજવરથી ધમધમતી આ સંસ્થામાં વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ ખાસ પરીક્ષાલક્ષી પુસ્તકો અને દૈનિક સમાચારપત્રો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સફળતાની ગાથાઓ આજે આસપાસના અન્ય ગ્રામીણ અને આદિવાસી યુવાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. ટેકનોલોજીના પ્રભાવ વચ્ચે પણ પુસ્તકોના માધ્યમથી સફળતા પ્રાપ્ત કરવાનો આ રાહ સાબિત કરે છે કે જો સાચી દિશામાં માર્ગદર્શન મળે, તો મહેનતુ યુવાનો કોઈપણ પરિસ્થિતિમાં પોતાના સપનાને પાંખો આપી જ શકે છે.
