JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

ઇડર ડાયેટ હોસ્ટેલ વિવાદ: ગૃહમાતાના બદલાયેલા નિવેદનોથી રહસ્ય ઘેરાયું, ટાંકામાં મૃત શ્વાનની વાતને ગણાવી પાયાવિહોણી

ઇડર ડાયેટ હોસ્ટેલ વિવાદ: ગૃહમાતાના બદલાયેલા નિવેદનોથી રહસ્ય ઘેરાયું, ટાંકામાં મૃત શ્વાનની વાતને ગણાવી પાયાવિહોણી
સાબરકાંઠાના ઇડર સ્થિત ડાયેટ હોસ્ટેલ વિવાદમાં ગૃહમાતા દ્વારા માત્ર ૨૪ કલાકમાં જ નિવેદન બદલીને પાણીના ટાંકામાં શ્વાન હોવાની વાતનો રદિયો આપવામાં આવ્યો છે. આ વિરોધાભાસી નિવેદનો અને વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથેડા વચ્ચે સંસ્થાનની ગંભીર બેદરકારી સામે સવાલો ઉભા થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) ની હોસ્ટેલમાં સર્જાયેલા વિવાદે હવે એક મોટું નાટક્ય વળાંક લીધો છે. અગાઉ હોસ્ટેલના પાણીના ટાંકામાં મૃત શ્વાન મળી આવ્યાની ખુદ કબૂલાત કરનાર ગૃહમાતા સરિતા ડાભીએ માત્ર ચોવીસ કલાકના ટૂંકા સમયગાળામાં જ યુટર્ન લીધો છે. પોતાના બીજા નિવેદનમાં તેમણે આ તમામ વાતોને માત્ર ભ્રામક અફવાઓ ગણાવીને ફગાવી દીધી છે અને ટાંકામાં કોઈ મૃત શ્વાન ન હોવાનું જણાવ્યું છે. જો કે, આ અચાનક બદલાયેલા વલણને કારણે સમગ્ર ઘટના શંકાના ઘેરામાં આવી ગઈ છે અને સવાલો ઉભા થઈ રહ્યા છે કે આશરે એક દિવસ પહેલા જે બાબતની કબૂલાત થઈ હતી તેનો અચાનક રદિયો કેમ આપવામાં આવ્યો?

આ સમગ્ર પ્રકરણમાં માત્ર નિવેદનો જ નહીં પરંતુ હોસ્ટેલના રેકોર્ડ અને વિદ્યાર્થીનીઓની સંખ્યામાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે. ગતરોજ સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવેલા નિવેદન અનુસાર હોસ્ટેલમાં માત્ર ૭૧ વિદ્યાર્થીનીઓ રહેતી હોવાનું જણાવાયું હતું, પરંતુ ચોવીસ કલાક પછી આ જ આંકડો વધીને ૧૦૦ સુધી પહોંચી ગયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બીજી તરફ, સંચાલકો ભલે પીવાના પાણી માટે અલગ RO પ્લાન્ટ હોવાની દલીલ કરતા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે તકેદારીના ભાગરૂપે હોસ્ટેલની તમામ વિદ્યાર્થીનીઓને ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને હડકવા વિરોધી રસી (ARV) આપવી પડી છે. આ પગલું સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક ગંભીર જોખમ તો હતું જ, નહિતર સાગમટે વિદ્યાર્થીનીઓને વેક્સિન આપવાની નોબત ન આવે.

આ ગંભીર બેદરકારી અને વિવાદાસ્પદ સ્થિતિ વચ્ચે કૉલેજ અને હોસ્ટેલ પ્રશાસનની શંકાસ્પદ ભૂમિકા પણ ચર્ચાનો વિષય બની છે. કૉલેજના આચાર્ય મીડિયાના કેમેરા અને સવાલોથી દૂર ભાગતા નજરે પડી રહ્યા છે, જે તેમની જવાબદારીમાંથી છટકવાની માનસિકતા દર્શાવે છે. વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય અને જીવ સાથે સીધો જોડાયેલો આ ગંભીર મુદ્દો હોવા છતાં જવાબદારો સ્પષ્ટ ખુલાસો કરવાને બદલે બચાવની મુદ્રામાં આવી ગયા છે. હાલ તો ભવિષ્યના શિક્ષકોને તૈયાર કરતી આ તાલીમ સંસ્થાની આબરૂ દાવ પર લાગી છે અને વાલીઓ તથા લોકમાનસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએથી ક્યારે અને કેવા પ્રકારની કડક કાર્યવાહી થાય છે તેના પર સૌની મીટ છે.

શિક્ષણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES