દરેક ઘરમાં આ દ્રશ્ય અત્યંત સામાન્ય છે કે બાળક રંગબેરંગી કાગળ પર કઈંક આડુંઅવળું કે સુંદર દોરીને દોડતું આવે અને ઉત્સાહથી કહે, 'મમ્મી જુઓ મેં શું બનાવ્યું!' માત્ર એક જ વાર નહીં પરંતુ વારંવાર એ જ ચિત્ર લઈને આવવું અને દરેક નાની વિગત સમજાવવાનો આગ્રહ રાખવો એ બાળકના માનસિક વિકાસ સાથે સીધી રીતે જોડાયેલું છે. વિકાસલક્ષી મનોવિજ્ઞાન અનુસાર, આ માત્ર કોઈ સામાન્ય કલાત્મક પ્રવૃત્તિ નથી, પરંતુ બાળકો માટે આ તેમની આસપાસની દુનિયાને સમજવાની અને પોતાની લાગણીઓને વ્યક્ત કરવાની એક અનોખી ભાષા છે. નિષ્ણાતોના મતે, ચિત્રો દ્વારા બાળકો પોતાના વિચારો, પ્રતીકો અને અંગત અનુભવોને વાચા આપે છે, જેને માત્ર એક નજર જોઈને સમજી શકાતા નથી પરંતુ તેની પાછળ રહેલા બાળકના ઈરાદાઓને જાણવા અત્યંત આવશ્યક છે.
બાળકો દ્વારા વારંવાર ચિત્ર બતાવવા પાછળનું મુખ્ય કારણ માત્ર 'વાહ સરસ' જેવી પ્રશંસા મેળવવાનું નથી હોતું, પરંતુ તેમને પોતાના માતા-પિતાનું વિશેષ ધ્યાન અને સમય જોઈતો હોય છે. જ્યારે કોઈ બાળક વારંવાર એક જ ચિત્ર બતાવે છે, ત્યારે તે ખરેખર તો તે પ્રવૃત્તિ દ્વારા માતા-પિતા સાથેનો આત્મીય સંબંધ અને સંવાદ ઝંખતું હોય છે. વર્ષ ૨૦૨૪માં 'કોગ્નિટિવ ડેવલપમેન્ટ' જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં પણ એ વાત સામે આવી છે કે, બાળકના કૌશલ્ય વિકાસમાં પેરેન્ટલ સપોર્ટ અને માર્ગદર્શન એટલે કે 'સ્કેફોલ્ડિંગ' ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે માતા-પિતા બાળકની વાત ધ્યાનથી સાંભળે છે અને તેને પ્રોત્સાહિત કરે છે, ત્યારે બાળકમાં આત્મવિશ્વાસ અને સક્ષમતાની ભાવના મજબૂત બને છે.
આવી સ્થિતિમાં વાલીઓએ માત્ર 'ખૂબ સરસ' કહીને વાત ટાળવાને બદલે બાળકની રચનાત્મકતાને પ્રોત્સાહન આપે તેવા સવાલો પૂછવા જોઈએ. જેમ કે, 'આ ચિત્રમાં શું થઈ રહ્યું છે?', 'આ કોણ છે?' અથવા 'તમે આ રંગ કેમ પસંદ કર્યા?' આ પ્રકારના સવાલો પૂછવાથી બાળકને પોતાના વિચારો ખુલીને વ્યક્ત કરવાની તક મળે છે અને તેને એવોહેસાસ થાય છે કે તેના વિચારોનું મૂલ્ય છે. ક્યારેક બાળકનું ચિત્ર દેખાવમાં સુંદર ન પણ હોય, પરંતુ તેની પાછળ રહેલી તેની ભાવનાઓને સમજવી અને તેને વધુ બોલવા માટે પ્રેરિત કરવું એ જ સાચા અર્થમાં બાળકના ભાવનાત્મક વિકાસ માટે શ્રેષ્ઠ પગલું સાબિત થાય છે.
