કેરળ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને ખાસ તપાસ ટીમ (SIT) દ્વારા મુંબઈના ઉલવે વિસ્તારમાં એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઇકેચુકવુ પૌલ ઓગબોન્ના નામના ૪૦ વર્ષીય નાઈજીરિયન નાગરિક અને તેની ૪૨ વર્ષીય ભારતીય પત્ની આરતીની ધરપકડ કરવામાં આવી છે. આ દંપતી કેરળ અને કર્ણાટક સહિતના વિવિધ રાજ્યોમાં MDMA જેવા પ્રતિબંધિત અને ખતરનાક ડ્રગ્સના સપ્લાયનું એક મોટું નેટવર્ક ઓપરેટ કરી રહ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપી અગાઉથી જ મુંબઈમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો અને કેરળના મલપ્પુરમ, કોઝિકોડ તથા પલક્કડ જિલ્લામાં નોંધાયેલા ડ્રગ્સના ગુનાઓમાં પણ વોન્ટેડ હતો.
આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ગત ૨૬ જૂને કેરળના મલપ્પુરમ જિલ્લામાં થયેલી એક સામાન્ય ડ્રગ્સ જપ્તીની ઘટનાથી થયો હતો. પોલીસે રતીશ નામના શખ્સ પાસેથી MDMA જપ્ત કરીને પૂછપરછ શરૂ કરી હતી, જેના તાર છેક મહારાષ્ટ્ર સુધી લંબાયેલા જોવા મળ્યા હતા. કોન્ડોત્તી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંગીત પુનાથિલના નેતૃત્વ હેઠળની વિશેષ ટીમે આ કડીઓ જોડવાનું શરૂ કર્યું અને મુંબઈમાં સક્રિય આંતરરાજ્ય રેકેટ સુધી પહોંચવામાં સફળતા મેળવી. આરોપી ઓગબોન્ના લગભગ ૧૫ વર્ષ પહેલાં ભારતમાં આવ્યો હતો અને તેણે મુંબઈની રહેવાસી આરતી સાથે આઠ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. આ દંપતી મુંબઈથી જ બેસીને સમગ્ર ડ્રગ્સ નેટવર્કનું સંચાલન કરતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ડ્રગ્સના વેચાણથી કમાયેલા કરોડો રૂપિયા ગેરકાયદેસર રીતે વિદેશી બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. કેરળમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરિતો પકડાઈ જતા આ દંપતી ફફડી ગયું હતું અને પોતાની કાળી કમાણી નાઈજીરિયા ખસેડીને ભારત છોડીને ભાગી જવાની પૂરી તૈયારી કરી રહ્યું હતું. જોકે, કેરળ પોલીસની સતર્ક અને સક્રિય ટીમે સમયસર પગલાં ભરીને તેમના નાપાક મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. હાલ પોલીસ આ દંપતીના બેંક ખાતાઓની વિગતો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય મોટા ચહેરાઓ પણ બેનકાબ થઈ શકે.
