JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

કેરળની પ્લાયવુડ ફેક્ટરીમાં યંત્રની ચપેટમાં આવતા ચાર વર્ષના માસૂમ બાળકના કરૂણ મોત બાદ એકમો સીલ

કેરળની પ્લાયવુડ ફેક્ટરીમાં યંત્રની ચપેટમાં આવતા ચાર વર્ષના માસૂમ બાળકના કરૂણ મોત બાદ એકમો સીલ
કેરળના એર્નાકુલમ જિલ્લામાં અસામી શ્રમિકના 4 વર્ષના પુત્રનું પ્લાયવુડ ડ્રાયિંગ મશીનમાં ફસાઈ જવાથી દુઃખદ મૃત્યુ થયું છે. આ ગંભીર અકસ્માત બાદ ફેક્ટરીમાં વ્યાપક સુરક્ષા બેદરકારી બહાર આવતા પ્રશાસને પ્લાયવુડ યુનિટને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

કેરળના એર્નાકુલમ જિલ્લાના મુદિક્કલ વિસ્તારમાં આવેલા પેરૂંબાવૂર પાસે આવેલી 'એમેઝોન પ્લાયવુડ્સ' નામની ફેક્ટરીમાં ગત 19 નવેમ્બરના રોજ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અસામના એક સ્થળાંતરિત (મજૂર) શ્રમિક જમાલનો ચાર વર્ષનો માસૂમ પુત્ર પોતાના માતા-પિતા સાથે ફેક્ટરીના પરિસરમાં આવ્યો હતો, જ્યાં તે પ્લેયવુડ સુકવવાની પ્રક્રિયામાં વપરાતા ચાલુ મશીનના રોલર વચ્ચે ફસાઈ ગયો હતો. આ અકસ્માતમાં બાળકને ગંભીર અને જીવલેણ ઇજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બાળકના મૃત્યુદેહને પોસ્ટમોર્ટમ માટે પેરૂંબાવૂર તાલુક હોસ્પિટલ ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ દુર્ઘટના બાદ ફેક્ટરી અને બોઈલર્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ સ્થળની સઘન તપાસ કરતા ચોંકાવનારી સુરક્ષા ખામીઓ અને ગંભીર ઉલ્લંઘનો સામે આવ્યા હતા. મંત્રી બિંુદુ કૃષ્ણાની ખાસ સૂચનાના આધારે ડિરેક્ટર સૂરજ કૃષ્ણાના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય તપાસ ટીમ દ્વારા ફેક્ટરીની મુલાકાત લેવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે ફેક્ટરી પ્રશાસન દ્વારા મશીનના ફરતા રોલર્સથી લોકોને સુરક્ષિત રાખવા માટેના પ્રાથમિક સેફ્ટી મિકેનિઝમ કે પ્રોટેક્ટિવ ડિવાઈસ પણ બેસાડવામાં આવ્યા ન હતા. એટલું જ નહીં, લાયસન્સ મુજબ આ ફેક્ટરીમાં માત્ર ૨૦ કામદારો જ કામ કરી શકે છે, પરંતુ અકસ્માત સમયે ત્યાં નિયમો વિરુદ્ધ જઈને ૭૦ જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા, જે સ્પષ્ટપણે લેબર લૉ અને સેફ્ટી ગાઈડલાઈન્સનો ભંગ દર્શાવે છે.

આ સમગ્ર પ્રકરણમાં શ્રમિકોના બાળકો માટેની ચાઇલ્ડ કેર (ક્રેચ) સુવિધાઓની ગેરહાજરી પણ મોટો મુદ્દો બની છે, કારણ કે વિસ્તારમાં શ્રમિકોના બાળકો માટે બનાવવામાં આવેલું ક્રેચ હાલ બંધ હાલતમાં જોવા મળ્યું હતું. બાળ સંભાળ કેન્દ્રો કાર્યાન્તિત ન હોવાને કારણે મજૂર માતા-પિતાને ભારેખમ ઔદ્યોગિક મશીનરી ચાલતી હોય તેવા જોખમી કાર્યસ્થળો પર પોતાના નાના બાળકોને સાથે લાવવાની મજબૂરી બને છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ફેક્ટરી અને બોઈલર્સ વિભાગના ડિરેક્ટરે જ્યાં સુધી ક્રેચની સુવિધા ફરીથી શરૂ ન થાય ત્યાં સુધી 'એમેઝોન પ્લાયવુડ્સ'નું સંચાલન સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે અને આ અંગેનો વિસ્તૃત અહેવાલ સરકારને સુપરત કરવામાં આવશે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES