વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાયેલા પાંચમા નેશનલ કૌશલ દીક્ષાંત સમારોહમાં દેશના યુવાનો અને નાગરિકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે એક વર્ષ અગાઉ દેશવાસીઓને આપેલી અપીલનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જો ખૂબ જરૂરી ન હોય તો એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની તેમની સલાહથી આજે અનેક લોકોના નાણાં બચ્યા છે. પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, શરૂઆતમાં કેટલાક લોકોએ આ વાતની મજાક ઉડાવી હતી, પરંતુ દેશવાસીઓએ સામાન્ય નાગરિકની આ અપીલ પર ભરોસો મૂકીને સોનાની ખરીદી ઓછી કરી, જેના પરિણામે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. તેમણે આ જનજાગૃતિ અને સમર્પણની તુલના ભૂતકાળમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા દેશવાસીઓને એક સમયનું ભોજન છોડવાની કરાયેલી અપીલ સાથે કરી હતી.
યુવાનોને માર્ગદર્શન આપતા વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય માત્ર ડિગ્રી કે સર્ટિફિકેટથી નહીં, પરંતુ વાસ્તવિક કૌશલ્ય અને હુનરથી ઘડાશે. લાંબા સમયથી ગુલામીની માનસિકતાના કારણે નોકરીઓમાં માત્ર ડિગ્રીને વધુ પડતું મહત્વ અપાતું હતું અને સ્કિલ પાછળ છૂટી જતી હતી, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. દુનિયાભરમાં આજે કુશળ કારીગરોની મોટી માંગ છે અને વિદેશી રાષ્ટ્રો પણ યુનિવર્સિટીના સ્નાતકોની સાથે આઈટીઆઈ (ITI) પ્રશિક્ષિત યુવાનોને પ્રાથમિકતા આપી રહ્યા છે. સાઉદી અરેબિયા, દુબઈ, અબુધાબી અને કતાર જેવા દેશોના આધુનિકીકરણમાં ભારતીય કારીગરોના પ્રચંડ હુનર અને સખત મહેનતનું મોટું યોગદાન રહેલું છે, જેની પ્રશંસા ત્યાંના રાજપરિવારો પણ કરે છે.
વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં કૌશલ્ય અને હુનરના સન્માનને અનિવાર્ય ગણાવતા પીએમ મોદીએ સરકાર દ્વારા લેવાયેલાં વિવિધ પગલાંની માહિતી આપી હતી. કૌશલ્ય વિકાસ મંત્રાલયની રચના અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્કિલ ડેવલપમેન્ટ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. અગાઉ માત્ર પરંપરાગત કોલેજો અને યુનિવર્સિટીઓની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ માટે જ દીક્ષાંત સમારોહ યોજાતા હતા, પરંતુ વર્તમાન સરકારે આઈટીઆઈના વિદ્યાર્થીઓને પણ સમાન સન્માન આપવાની પહેલ કરી છે. આઈઆઈટી (IIT) હોય કે આઈટીઆઈ (ITI), બંને દેશની સાચી મૂડી, ક્ષમતા અને ઉજ્જવળ ભવિષ્ય છે તેમ જણાવીને વડાપ્રધાને યુવા વર્ગમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.
