JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ભાણવડના પાછતરડી ગામે ઉમંગભેર ઉજવાયો દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો જનજાતિય ગૌરવ દિન

ભાણવડના પાછતરડી ગામે ઉમંગભેર ઉજવાયો દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો જનજાતિય ગૌરવ દિન
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ભાણવડના પાછતરડી ખાતે જિલ્લા કક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવાની સાથે વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની પાછતરડી પ્રાથમિક શાળા ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિના ઉપક્રમે જિલ્લા કક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ અત્યંત ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ભગવાન બિરસા મુંડાની ચિત્રપ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને કરવામાં આવી હતી. આ અવસરે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ મનમોહક પરંપરાગત નૃત્યે ઉપસ્થિત સૌનું દિલ જીતી લીધું હતું, જ્યારે મામલતદાર વીરાંગ વ્યાસ દ્વારા તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, જળ, જમીન અને જંગલના રક્ષણ માટે ભગવાન બિરસા મુંડાએ આપેલું યોગદાન અવિસ્મરણીય છે અને માત્ર ૨૫ વર્ષના ટૂંકા જીવનકાળમાં તેઓ આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં લાવવાનું અને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આદિજાતિઓના ઉત્કર્ષ માટે સતત કાર્યો થઈ રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પણ વીર નાયક બિરસા મુંડાના જીવન અને કાર્યને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આદિજાતિ વિસ્તારોમાં સરકાર દ્વારા થઈ રહેલા વિકાસકાર્યો પર પ્રકાશ પાડ્યો હતો.

આ ભવ્ય સમારોહ દરમિયાન મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય તથા લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મહારાષ્ટ્રના ગઢ ચિરૌલીથી પ્રસારિત થયેલા વડાપ્રધાનના રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યું હતું. ગ્રામજનો માટે સ્વીપ, કાનૂની સહાય, આઈસીડીએસ, સ્વાસ્થ્ય, ખેતીવાડી અને બેંક સહિતના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઊભા કરી માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES