ઉત્તર ભારતના પહાડી રાજ્યો એવા જમ્મુ-કાશ્મીર સહિતના વિસ્તારોમાં હિમવર્ષાનો પ્રારંભ થતાં જ તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે લાંબા સમય પછી નાગરિકોએ ઠંડીનો અહેસાસ કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોસમનો મિજાજ બદલાયો છે અને લોકોએ ગરમ વસ્ત્રો બહાર કાઢવાની ફરજ પડી છે.
જામનગર પંથકમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જ તાપમાનમાં ૪.૫ ડિગ્રીનો તીવ્ર ઘટાડો નોંધાતા લઘુતમ તાપમાન સીધું ૧૫.૫ ડિગ્રી પર આવી ગયું છે. આ સાથે જ મહત્તમ તાપમાન પણ બે ડિગ્રી ઘટીને ૩૧ ડિગ્રી જેટલું નોંધાયું હતું, જેના લીધે બપોરના સમયે અનુભવાતી ગરમીમાં રાહત મળી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને પંચાવન ટકા રહ્યું હતું અને પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાકના ૫ થી ૧૦ કિલોમીટર આસપાસ રહી હતી, જેના કારણે સાંજના સમયે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરવા પામી હતી.
આ અચાનક આવેલા હવામાન બદલાવથી નગરસીમા અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનું જોર વિશેષ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા વધવાની સાથે જ જામનગર સહિત સમગ્ર હાલારમાં ઠંડીનો પારો વધુ ગગડે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોસમના આ બદલાવથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારના સમયે મોર્નિંગ વોક માટે નીકળતા લોકો ગુલાબી ઠંડીનો ભરપૂર આનંદ માણી રહ્યા છે.
