JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

પુણેમાં નકામું ઈન્ટિરિયર વર્ક કરાવવું મોંઘું પડ્યું, ગ્રાહક આયોગે ડિઝાઈનરને ₹૬.૧૪ લાખથી વધુ ચૂકવવાનો આદેશ આપ્યો

પુણેમાં નકામું ઈન્ટિરિયર વર્ક કરાવવું મોંઘું પડ્યું, ગ્રાહક આયોગે ડિઝાઈનરને ₹૬.૧૪ લાખથી વધુ ચૂકવવાનો આદેશ આપ્યો
પુણે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે બાલેવાડીના ફ્લેટમાં હલકી કક્ષાનું ઈન્ટિરિયર અને ખામીયુક્ત ફર્નિચર આપનાર ડિઝાઈનરને વ્યાજ સહિત ૬.૧૪ લાખ રૂપિયાથી વધુની રકમ ચૂકવવાનો કડક આદેશ આપ્યો છે.

પુણેના બાલેવાડી વિસ્તારમાં આવેલી 'સેવન એવન્યુ' સોસાયટીમાં રહેતી લોપામુદ્રા ચક્રવર્તી નામના ગ્રાહકે વર્ષ ૨૦૧૯માં પોતાના ફ્લેટના ઈન્ટિરિયર ડિઝાઈનિંગ માટે 'ક્રીઆર્ટ - હાઉસ ઓફ ઈન્ટિરિયર્સ'ના સંચાલક દ્વીપેશ બરુઆ સાથે કરાર કર્યો હતો. અંદાજે ૯.૮૩ લાખ રૂપિયાના મૂળ અંદાજ સામે ડિઝાઈનરે કાચા માલના ભાવ વધારાનું કારણ ધરીને ગ્રાહક પાસેથી કુલ ૧૧.૨૧ લાખ રૂપિયા વસૂલ્યા હતા. જો કે, નિર્ધારિત ૭૫ દિવસની સમયમયાદામાં કામ પૂર્ણ થયા બાદ ફ્લેટમાં ડાઇનિંગ ટેબલ પર તિરાડો પડવી, પેઇન્ટ ઉખડી જવો, દિવાલોમાં ગાબડાં પડવા, કાટ લાગેલા બારીના ગ્રિલ અને ખરાબ કિચન કેબિનેટ્સ જેવી ગંભીર ક્ષતિઓ બહાર આવી હતી.

આ મામલે ગ્રાહકે આયોગમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે હલકી ગુણવત્તાવાળા કામના કારણે તેમના પરિવારને શારીરિક તેમજ માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન આયોગ દ્વારા નિમાયેલ નિષ્ણાતની ટીમે સ્થળ તપાસ કરી અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં કામની નબળી ગુણવત્તા અને બ્રાન્ડેડ સામગ્રીના વપરાશના કોઈ પુરાવા ન હોવાની પુષ્ટિ થઈ હતી. બીજી તરફ, ડિઝાઈનર દ્વીપેશ બરુઆ આયોગ સમક્ષ હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે આયોગે એકતરફી કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગ્રાહક આયોગના પ્રમુખ અનિલ બી. જાવલેકર અને સભ્ય શુભાંગી જે. ડુરનાખેની બેન્ચે ચુકાદો આપતા ડિઝાઈનરને ઈન્ટિરિયર સુધારણા માટે ૫ લાખ રૂપિયા, પલંગના કુશન અને ડાઇનિંગ ટેબલના રિફંડ તેમજ માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ પેટે વધારાની રકમ ૬ ટકા વાર્ષિક વ્યાજ સાથે ૪૫ દિવસમાં ચૂકવવાનો આદેશ આપ્યો છે. જો નિર્ધારિત સમયમાં આ રકમ ચૂકવવામાં નહીં આવે તો વ્યાજનો દર વધીને ૮ ટકા થઈ જશે.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES