JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર વકીલ સામે સુપ્રીમ કોર્ટે લીધા કડક પગલાં

મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર વકીલ સામે સુપ્રીમ કોર્ટે લીધા કડક પગલાં
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત સામે અભદ્ર ટિપ્પણી કરવા બદલ એક વકીલને અવમાનનાની નોટિસ ફટકારી છે. જસ્ટિસ દીપાંકર દત્તાની આગેવાની હેઠળની ત્રણ જજોની ખંડપીથે આ મામલે આગામી ૨૦ જાન્યુઆરી, ૨૦૨૭ સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

બુધવારે નવી દિલ્હી સ્થિત સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત ગંભીર ઘટના સામે આવી હતી, જ્યાં સર્વોચ્ચ અદાલતે ચીફ જસ્ટિસ સૂર્યકાંત વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનાર વકીલ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (કોર્ટની અવમાનના)ની નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા આ વકીલ સામે અવમાનનાની કાર્યવાહી કરવાની માંગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ દીપાંકર દત્તા, જસ્ટિસ જયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી ત્રણ સભ્યોની વિશેષ ખંડપીથે એટર્ની જનરલની મંજૂરી અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે આ અરજીને આગળ વધારવા માટે પ્રથમદર્શીય મંજૂરી આપી દીધી છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત સોમવારના રોજ કોર્ટની કાર્યવાહી દરમિયાન થઈ હતી, જ્યારે સંબંધિત વકીલે બપોરના સત્રમાં અદાલતમાં હાજર થઈને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તાત્કાલિક સુનાવણીની માંગણી કરી હતી. વકીલે દાવો કર્યો હતો કે તેમણે ૨ નવેમ્બરના રોજ મોકલેલા પત્રનો મુખ્ય ન્યાયાધીશની કાર્યાલયમાંથી કોઈ જવાબ મળ્યો નથી અને તેમને તાત્કાલિક સાંભળવામાં આવે. જોકે, ખંડપીથે તેમને આવી રીતે બાબતો રજૂ કરવાની મનાઈ ફરમાવી હતી અને થોડી રાહ જોવાનું કહ્યું હતું. પરંતુ વકીલે મર્યાદા ઓળંગતા ચીફ જસ્ટિસના પદ અને તેમની પ્રામાણિકતા પર સીધા સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે અદાલતે થોડા સમય માટે વર્ચ્યુઅલ કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી.

આ મામલે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ પ્રદીપ રાયે કોર્ટ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વકીલનું આ પ્રકારનું ગેરવર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને અત્યંત નિંદનીય છે. ન્યાયતંત્રની ગરિમા જાળવી રાખવા માટે આવા બનાવો સામે કડક કાનૂની પગલાં લેવા જરૂરી બન્યા છે. અદાલતના આદેશ અનુસાર, સુરક્ષાકર્મીઓએ તે વકીલને તાત્કાલિક કોર્ટરૂમની બહાર ખસેડ્યા હતા અને હવે આગામી સુનાવણી ૨૦ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં દોષિત વકીલે પોતાનો પક્ષ રાખવો પડશે.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES