JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

અફઘાનિસ્તાનના યુવા ઓલરાઉન્ડર નસીર ખાનની ડેબ્યૂ ટેસ્ટમાં ઐતિહાસિક સિદ્ધિ, ૧૯૬૫ બાદ પહેલીવાર રચાયો રેકોર્ડ

અફઘાનિસ્તાનના યુવા ઓલરાઉન્ડર નસીર ખાનની ડેબ્યૂ ટેસ્ટમાં ઐતિહાસિક સિદ્ધિ, ૧૯૬૫ બાદ પહેલીવાર રચાયો રેકોર્ડ
અફઘાનિસ્તાનના ૨૦ વર્ષીય નસીર ખાન મારૂફખિલે શારજાહ ખાતે રમાયેલી ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારી અને ૫ કે તેથી વધુ વિકેટ ઝડપીને ૧૪૯ વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક દુર્લભ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

શારજાહના મેદાન પર રમાયેલી અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટેસ્ટ મેચમાં ૨૦ વર્ષીય ઓલરાઉન્ડર નસીર ખાન મારૂફખિલે પોતાના શાનદાર પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. ટેસ્ટ ક્રિકેટના ૧૪૯ વર્ષના લાંબા ઇતિહાસમાં ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારવાની સાથે પાંચ વિકેટ ઝડપનાર તે માત્ર બીજા ખેલાડી બન્યા છે. આ અગાઉ વર્ષ ૧૯૬૫માં ન્યુઝીલેન્ડના બ્રુસ ટેલરે કોલકાતા ખાતે ભારત સામે આ સિદ્ધિ મેળવી હતી. માત્ર ૨૦ વર્ષ અને ૨૮૭ દિવસની વયે આ અદ્ભુત પરાક્રમ કરીને નસીરે વિશ્વ ક્રિકેટમાં સૌથી યુવા ખેલાડી તરીકે પોતાનું નામ સુવર્ણક્ષરે અંકિત કર્યું છે.

નસીર ખાન મારૂફખિલે આ મેચમાં બેટ અને બોલ બંનેથી અદ્ભુત ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઇનિંગ્સમાં ૨૦ રન બનાવ્યા બાદ તેણે બીજી ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ કરતા ૨૪૨ બોલમાં અણનમ ૧૦૧ રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી. બોલિંગમાં પણ કમાલ કરતા તેણે પ્રથમ ઇનિંગ્સમાં ૪૪ ઓવરમાં ૧૫૧ રન આપીને ૭ વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં ૩૭ ઓવરમાં ૨ વિકેટ મેળવી હતી. આ સાથે તેણે સમગ્ર મેચમાં કુલ ૧૨૧ રન બનાવ્યા અને ૯ વિકેટ પોતાના નામે કરી, જે ટેસ્ટ ડેબ્યૂ કરનાર ખેલાડીઓમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શન ગણવામાં આવી રહ્યું છે.

આ મેચ દરમિયાન નસીર ખાને વર્કલોડ અને મેદાન પર ટકી રહેવાના મામલે પણ અનોખા રેકોર્ડ બનાવ્યા છે. તે ટેસ્ટ ડેબ્યૂમાં ૩૦૦થી વધુ બોલનો સામનો કરનાર અને ૮૦થી વધુ ઓવર નાખનાર ઇતિહાસનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે બે ઇનિંગ્સ મળીને કુલ ૩૧૬ બોલ રમ્યા અને ૪૮૬ બોલ ફેંક્યા હતા. અફઘાનિસ્તાન માટે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર તે ત્રીજો અને પાંચ વિકેટ ઝડપનાર ચોથો ખેલાડી બન્યો છે. તેની આ રેકોર્ડબ્રેક રમતથી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધ્યું છે અને ભવિષ્ય માટે એક નવો સ્ટાર ખેલાડી મળ્યો છે.

સ્પોર્ટ્સ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES