JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

આઈપીએલમાંથી એમ.એસ. ધોનીની વિદાય: રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહે પાઠવ્યા ભાવુક અભિનંદન

Jamnagar Mirror
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એમ.એસ. ધોનીએ આઈપીએલમાંથી ખેલાડી તરીકે સત્તાવાર નિવૃત્તિ જાહેર કરી છે. આ જાહેરાત બાદ રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સહિતના દિગ્ગજોએ તેમની શાનદાર સફરને યાદ કરીને ભાવુક શ્રદ્ધાંજલિ પાઠવી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ મંગળવારે સત્તાવાર જાહેરાત કરી છે કે મહાન વિકેટકીપર-બેટ્સમેન એમ.એસ. ધોની હવે આઈપીએલ 2027ની સીઝનથી ટીમ મેન્ટર તરીકેની નવી ભૂમિકા નિભાવશે. વર્ષ 2008માં શરુ થયેલી આઈપીએલની પ્રથમ સીઝનથી જ આ ટૂર્નામેન્ટનો ચહેરો રહેલા ધોનીએ પોતાની આ અદ્ભુત રમતગમત કારકિર્દીને પૂર્ણ વિરામ આપ્યો છે. ચેન્નાઈની ટીમ ઉપરાંત તેમણે સસ્પેન્શન કાળ દરમિયાન 'રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ'નું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તેમનો મોટો સમય ચેન્નાઈ સાથે જ વીત્યો છે. ૨૦૨૪માં તેમણે કેપ્ટનશીપ ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી હતી અને ૨૦૨૫માં છેલ્લી મેચ રમ્યા બાદ આખરે હવે તેમણે બટ મૂકી દીધા છે.

આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચો હંમેશાં 'એલ ક્લાસિકો' સમાન રહી છે. ધોનીના આ સફરના અંત પર મુંબઈના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ધોની ભાઈ, આઈપીએલની અવિસ્મરણીય કારકિર્દી બદલ ખૂબ-ખૂબ અભિનંદન. તમારી સાથે મેદાન શેર કરવું અને અનેક યાદો બનાવવી એ હંમેશાં અદ્ભુત રહ્યું છે. બીજી તરફ, ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે પોતાની પ્રતિક્રિયા આપતા ધોનીને પોતાના સૌથી મનપસંદ ખેલાડી ગણાવ્યા હતા અને કહ્યું કે ધોનીની કેપ્ટનશીપમાં જ તેમણે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. બુમરાહે સ્વીકાર્યું કે તેઓ ધોનીને પોતાના આદર્શ માને છે અને ભવિષ્યની સફર માટે તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ પણ ધોનીની પ્રશંસા કરતા જણાવ્યું કે તેઓ આઈપીએલની વૃદ્ધિ અને સફળતાના મુખ્ય આધાર રહ્યા છે. પોતાના આઈપીએલ કરિયરમાં ધોનીએ કુલ 278 મેચ રમી હતી, જેમાં 38.30ની સરેરાશ અને 137.45ના સ્ટ્રાઈક રેટથી 5,439 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 24 અડધી સદી અને 264 વિસ્ફોટક છગ્ગા ફટકારીને સાબિત કર્યું કે શા માટે તેમને આખી દુનિયામાં સર્વશ્રેષ્ઠ ફિનિશર માનવામાં આવે છે. ભલે હવે તેઓ મેદાન પર બેટ લઈને ઉતરતા ન દેખાય, પરંતુ મેન્ટર તરીકે તેમની ઉપસ્થિતિ આગામી સમયમાં યુવા ખેલાડીઓ માટે માર્ગદર્શકબળ બની રહેશે.

સ્પોર્ટ્સ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES