JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

મહાન ક્રિકેટર મોહમ્મદ નબીના પુત્ર હસન ઈસાખિલ પોતાની આગવી ઓળખ બનાવવા માટે તૈયાર

મહાન ક્રિકેટર મોહમ્મદ નબીના પુત્ર હસન ઈસાખિલ પોતાની આગવી ઓળખ બનાવવા માટે તૈયાર
અફઘાનિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર મોહમ્મદ નબીના ૨૦ વર્ષીય પુત્ર હસન ઈસાખિલે પિતાના નામનો બોજ રાખ્યા વિના પોતાની કુશળતાના આધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગવી ઓળખ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કતારના દોહા ખાતે શરૂ થઈ રહેલી એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટ પહેલા તેણે આ વાત પર ભાર મૂક્યો હતો.

અફઘાનિસ્તાન ક્રિકેટના પાયાના પથ્થર સમાન મોહમ્મદ નબી આજે પણ ૪૧ વર્ષની વયે સક્રિય ક્રિકેટ રમી રહ્યા છે અને રાષ્ટ્રીય ટીમનો અભિન્ન હિસ્સો છે. નબીની આ દીર્ઘાયુ અને સફળતા બાદ હવે તેમના પુત્ર હસન ઈસાખિલે પણ ક્રિકેટની દુનિયામાં પગરણ માંડ્યા છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં પિતા-પુત્રની આ જોડી મેદાન પર સાથે દેખાઈ ચૂકી છે, ત્યારે નબીએ ભવિષ્યમાં અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય જર્સીમાં પણ પોતાના પુત્ર સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાની ખુલ્લેઆમ ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે, હસન માટે કોઈ દિગ્ગજ ખેલાડીનો પુત્ર હોવાના નાતે કોઈ વધારાનું દબાણ નથી, પરંતુ તે પોતાના સ્વાભાવિક રમત-ગમત પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધી રહ્યો છે.

ઘર આંગણે ક્રિકેટની ચર્ચાઓ અને પિતાના માર્ગદર્શન વિશે વાત કરતા યુવા ઓપનર હસને જણાવ્યું હતું કે મેદાન પર કે ટ્રેનિંગ સેશન્સ દરમિયાન પિતા અત્યંત કડક શિસ્તના આગ્રહી હોય છે, પરંતુ મેદાનની બહાર તેઓ મિત્રો જેવા જ સહજ રહે છે. હસન પોતાની રમતને વધુ ધારદાર બનાવવા માટે વિરાટ કોહલી અને શુભમન ગિલ જેવા ભારતીય બેટિંગ સ્ટાર્સની રમત શૈલી, તેમની ફિટનેસ અને શિસ્તમાંથી પ્રેરણા લે છે. ખાસ કરીને વિરાટ કોહલીની રન ચેઝ કરવાની આવડત અને માનસિક મજબૂતાઈ તેને ખૂબ પ્રભાવિત કરે છે. તે પોતાની ઈનિંગ્સને ગોઠવવાની કળા શીખવા માટે કોહલીની બેટિંગ પદ્ધતિનો અભ્યાસ કરી રહ્યો છે.

અફઘાનિસ્તાનની અંડર-૧૯ ટીમથી લઈને એશિયન ગેમ્સ સુધીની સફર ખેડી ચૂકેલા હસન ઈસાખિલ માટે રાષ્ટ્રીય ટીમમાં ઓપનિંગ સ્થાન મેળવવું આસાન નથી, કારણ કે ટીમમાં પહેલાથી જ રહેમાનુલ્લા ગુરબાઝ અને ઇબ્રાહિમ જાદરાન જેવા મજબૂત ઓપનર્સ ઉપલબ્ધ છે. પરંતુ આ સ્પર્ધાને તે પોતાના માટે એક મોટિવેશન માને છે અને પોતાની સખત મહેનતના બળે ટીમમાં સ્થાન મેળવવા કટિબદ્ધ છે. દોહામાં રમાનારી રાઇઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટ માટે તેની તૈયારીઓ ઉત્તમ રહી છે અને તે આગામી મેચોમાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ચાહકોના દિલ જીતવા માટે ઉત્સુક છે.

સ્પોર્ટ્સ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES