વિશ્વની અગ્રણી બેન્ક અને પેમેન્ટ કંપનીઓ જેપી મોર્ગન ચેઝ, વિઝા અને માસ્ટરકાર્ડ સાથે સંકળાયેલા તૃતીય પક્ષ (થર્ડ-પાર્ટી) વેન્ડર્સ પર એક મોટો સાયબર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલાના કારણે સંબંધિત સેવા પ્રદાતા પાસે રહેલો ગ્રાહકોનો અમુક ડેટા હેકર્સના હાથમાં લાગી ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપતા જેપી મોર્ગન ચેઝે સ્પષ્ટ કર્યું છે કે તેમની પોતાની સિસ્ટમ કે સેવાઓ પર કોઈ અસર થઈ નથી, પરંતુ તેમના માટે કામ કરતા સબકોન્ટ્રેક્ટરને નિશાન બનાવવામાં આવ્યા છે. શરૂઆતની તપાસ મુજબ, હેકર્સે માત્ર માર્કેટિંગ સંબંધિત ડેટા જ મેળવ્યો છે, જેમાં ગ્રાહકોના નામ અને ઈમેલ એડ્રેસનો સમાવેશ થાય છે.
આ ગંભીર સાયબર હુમલાની જવાબદારી 'n0n' નામના હેકિંગ ગ્રૂપે લીધી હોવાનું સાયબર સુરક્ષા ક્ષેત્રની જાણીતી ફર્મ એસઓસીરાડાર (SOCRadar) દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ગ્રૂપ મૂળ રશિયાનું હોવાનું મનાય છે અને તે સપ્ટેમ્બરથી જ સક્રિય થઈને વિશ્વભરની અંદાજે ૨૦૦ જેટલી કંપનીઓને શિકાર બનાવી ચૂક્યું હોવાનો દાવો કરે છે. બીજી તરફ, પેમેન્ટ દિગ્ગજ કંપની વિઝાએ પણ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે એશિયા-પેસિફિક ક્ષેત્રના એક સપ્લાયરને નિશાન બનાવવામાં આવ્યો હતો. વિઝાએ રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે તેમની મુખ્ય સિસ્ટમ અકબંધ છે અને કાર્ડ નંબર્સ જેવી કોઈ પણ સંવેદનશીલ નાણાકીય માહિતી કે પેમેન્ટ ડેટા સાથે કોઈ ચેડા થયા નથી.
માસ્ટરકાર્ડ દ્વારા પણ આ મામલે સમાન નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચોક્કસ બેનિફિટ પ્રોગ્રામ સાથે જોડાયેલા કાર્ડધારકોનો મર્યાદિત અને બિન-નાણાકીય ડેટા જ જોખમમાં મૂકાયો છે. કંપનીની ટેકનિકલ ટીમો પ્રભાવિત ગ્રાહકોને જરૂરી સહાય પૂરી પાડવા માટે સબકોન્ટ્રેક્ટર સાથે સતત સંકલન સાધી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના દિવસોમાં જેપી મોર્ગન ચેઝ ઉપરાંત યુનાઈટેડ એરલાઈન્સ અને યુએસ નેશનલ સિક્યુરિટી એજન્સી (NSA) જેવી મોટી સંસ્થાઓની સિસ્ટમમાં પણ ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી, જેના કારણે વૈશ્વિક સ્તરે સાયબર સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
