JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

જેપીમોર્ગન, વિઝા અને માસ્ટરકાર્ડ પર સાયબર હુમલો, હજારો ગ્રાહકોનો ડેટા લીક

જેપીમોર્ગન, વિઝા અને માસ્ટરકાર્ડ પર સાયબર હુમલો, હજારો ગ્રાહકોનો ડેટા લીક
વૈશ્વિક સ્તરે નાણાકીય સેવા આપતી જાણીતી કંપનીઓ જેપીમોર્ગન ચેઝ, વિઝા અને માસ્ટરકાર્ડ થર્ડ-પાર્ટી વેન્ડર્સની સુરક્ષામાં ક્ષતિના કારણે સાયબર હુમલાનો ભોગ બની છે, જોકે કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોની પેમેન્ટ સિસ્ટમ અને નાણાકીય વિગતો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

વિશ્વની અગ્રણી નાણાકીય સંસ્થાઓ પર સાયબર હુમલાની ગંભીર ઘટનાઓ સામે આવી છે, જેમાં જેપીમોર્ગન ચેઝ, વિઝા અને માસ્ટરકાર્ડ જેવી દિગ્ગજ કંપનીઓના થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા ડેટા લીક થયા હોવાનું સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. અમેરિકાની સૌથી મોટી બેંક ગણાતી જેપીમોર્ગનને નિશાન બનાવીને હેકર્સોએ માર્કેટિંગ રેકોર્ડ્સની માહિતી મેળવી લીધી છે, જેમાં ગ્રાહકોના નામ, ઈમેલ આઈડી અને કેટલાક કિસ્સાઓમાં ફોન નંબર તથા પોસ્ટલ કોડ પણ લીક થયા છે. 'n0n' નામના સાયબર એક્સોર્શન ગ્રૂપે આ હુમલા પાછળનો દાવો કર્યો છે અને રોઇટર્સ દ્વારા કરવામાં આવેલી સમીક્ષામાં આશરે ૧૬,૦00 થી વધુ ગ્રાહકોના ઈમેલ એડ્રેસ સાર્વજનિક થયા હોવાનું સામે આવ્યું છે. બેંકે સ્પષ્ટતા કરી છે કે આ સાયબર હુમલો તાજેતરમાં ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગમાં થયેલી તકનીકી ખામી સાથે કોઈ સંબંધ ધરાવતો નથી.

આ જ હેકિંગ ગ્રૂપે વિઝા અને માસ્ટરકાર્ડ પર પણ હુમલો કર્યાનો દાવો કર્યો હતો, જેને બંને કંપનીઓએ સમર્થન આપ્યું છે. વિઝાના જણાવ્યા અનુસાર આ ઘટના એશિયા-પહેસિફિક ક્ષેત્રના એક થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર સાથે જોડાયેલી છે, જેના કારણે હોંગકોંગ, તાઇવાન, જાપાન, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાના ગ્રાહકોનો ડેટા પ્રભાવિત થયો છે. બીજી તરફ, માસ્ટરકાર્ડે જણાવ્યું હતું કે ચોક્કસ બેનિફિટ પ્રોગ્રામ સાથે જોડાયેલા ગ્રાહકોના મર્યાદિત ઈમેલ એડ્રેસ લીક થયા છે, જે ઉત્તર અમેરિકા, મધ્ય પૂર્વ અને આફ્રિકાના માર્કેટિંગ ડેટા સાથે સંબંધિત છે. જો કે, બંને કંપનીઓએ રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે તેમની મુખ્ય પેમેન્ટ સિસ્ટમ, નેટવર્ક અને કાર્ડ હોલ્ડર્સની લેણ-દેણ કરવાની ક્ષમતા પર કોઈ જ નકારાત્મક અસર થઈ નથી.

આ સાયબર ઘટનાઓએ નાણાકીય સંસ્થાઓ દ્વારા બાહ્ય વેન્ડર્સ સાથે શેર કરવામાં આવતી ગ્રાહકોની માહિતી અને તેની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. નિષ્ણાતોના મતે, સાયબર હુમલાની સ્થિતિમાં ગ્રાહકો બેંક અને થર્ડ-પાર્ટી વેન્ડર વચ્ચે ભેદભાવ કરતા નથી, જેના કારણે કંપનીઓની પ્રતિષ્ઠાને મોટું જોખમ ઉભું થઈ શકે છે. આ પડકારજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હવે નાણાકીય ક્ષેત્રની કંપનીઓએ વેન્ડર્સ સાથે ડેટા શેર કરવાની નીતિઓની પુનઃ સમીક્ષા કરવી પડશે અને સાયબર સુરક્ષાના ધોરણો વધુ કડક બનાવવા પડશે જેથી ભવિષ્યમાં આવી સુરક્ષા ચૂકી જવાની ઘટનાઓ ટાળી શકાય.

ટેકનોલોજી વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES