JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો મોટો ખુલાસો, પાકિસ્તાની સેના પર કુદરતી સંપત્તિ લૂંટવાનો ગંભીર આરોપ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો મોટો ખુલાસો, પાકિસ્તાની સેના પર કુદરતી સંપત્તિ લૂંટવાનો ગંભીર આરોપ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે પાકિસ્તાનના અસલી ચહેરાને બેનકાબ કરતા જણાવ્યું કે ત્યાંની સેના અંગત સ્વાર્થ માટે કુદરતી સંસાધનોની લૂંટ ચલાવી રહી છે અને આંતરિક અશાંતિ ફેલાવી રહી છે.

ન્યુયોર્ક ખાતે યોજાયેલી યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની અરિયા-ફોર્મ્યુલા બેઠકમાં કુદરતી સંસાધનો અને સંઘર્ષના મુદ્દે ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્તાનની આક્રમક નીતિઓનો કરારો જવાદ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પર્વતનેની હરીશે પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ દ્વારા સિંધુ જળ સંધિનો મુદ્દો ઉછાળવામાં આવ્યા બાદ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત કોઈપણ દ્વિપક્ષીય વિવાદ પર આ મંચ પર ચર્ચા કરવાના પ્લાનમાં નથી, પરંતુ પાકિસ્તાનના પ્રચારનો યોગ્ય જવાબ આપવો પણ જરૂરી છે. ભારતે પાકિસ્તાનના લશ્કરી તંત્ર પર સીધો પ્રહાર કરતા કહ્યું કે ત્યાંની વાસ્તવિક સત્તા સેનાના હાથમાં છે અને તેઓ દેશના નાગરિકોના કલ્યાણના ભોગે પોતાની સંપત્તિ વધારવામાં વ્યસ્ત છે.

પાકિસ્તાનની સેનાની સંસાધન ચોરીને ઉજાગર કરવા માટે ભારતીય રાજદૂતે ગત વર્ષે બનેલી એક વિશેષ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિરે વિદેશી નેતાઓ સમક્ષ ખનિજ પથ્થરોથી ભરેલું એક લાકડાનું બોક્સ પ્રદર્શિત કર્યું હતું, જે સ્પષ્ટ કરે છે કે ત્યાંની સેના દેશની સંપત્તિના શોષણમાં સીધી રીતે સંકળાયેલી છે. આટલું જ નહીં, ગત વર્ષે વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ સમક્ષ પણ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ દ્વારા દુર્લભ પૃથ્વી ખનિજો ભેટમાં આપવામાં આવ્યા હતા. ભારતે આક્ષેપ કર્યો કે સેના દ્વારા કરવામાં આવતી આ આર્થિક હેરાફેરી અને લૂંટના કારણે જ પાકિસ્તાનમાં પ્રાંતીય સરકારી બરતરફી અને કટોકટી જેવી રાજકીય અસ્થિરતા સર્જાઈ રહી છે.

વધુમાં, વૈશ્વિક સ્તરે કુદરતી સંસાધનોના સંચાલન અંગે ભારતનો મજબૂત પક્ષ રજૂ કરતા રાજદૂત હરીશે જણાવ્યું કે ગેરકાયદેસર ખનન અને દાણચોરીથી આતંકવાદી જૂથોને ફંડિંગ મળે છે જે યુદ્ધને લાંબુ ખેંચે છે. તેમણે ભારત દ્વારા અધ્યક્ષતા કરવામાં આવનાર કિંબરલી પ્રોસેસ (Kimberley Process) નું ઉદાહરણ આપીને સમજાવ્યું કે સરકારી અને વ્યાવસાયિક સહયોગથી ગેરકાયદેસર વેપારને સફળતાપૂર્વક અટકાવી શકાય છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે માત્ર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જ્યારે ટકાઉ વિકાસ અને સંસાધન શાસન જેવા વ્યાપક પ્રશ્નો જનરલ એસેમ્બલી અને અન્ય સંબંધિત સંસ્થાઓના દાયરામાં આવે છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES