જામનગર નજીક આવેલા હાપા જલારામ મંદિર ખાતે શ્રી જલારામ બાપા દયાળુ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીનો પવિત્ર ઉત્સવ ભારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. આ વિશેષ દિવસે મંદિરના પ્રમુખ કિશોરભાઈ પી. મજીઠીયા પરિવારના વડપણ હેઠળ હાપા મંદિરે ભવ્ય નૂતન ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિરમાં જલારામ બાપાની ધૂન, પૂજાપાઠ, પુષ્પહાર અને ધાર્મિક અનુષ્ઠાનોનો પ્રારંભ થઈ ગયો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ધ્વજારોહણના આ દિવ્ય અવસરે મંદિરના પૂજારી જતીનભાઈ બારોટે વૈદિકોક્ત વિધિ સાથે પ્રમુખ કિશોરભાઈ મજીઠીયા પરિવાર અને ઉપસ્થિત તમામ ભક્તો પાસે ધ્વજનું પૂજન કરાવીને ભક્તિભાવપૂર્વક નૂતન ધ્વજારોહણ સંપન્ન કરાવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં કાંતિલાલ મકવાણા, રાજભા જાડેજા, રાજુભાઈ રાડીયા, સાવનભાઈ ખગ્રામ, ધિરેનભાઈ દતાણી, શૈલેષભાઈ કુંડલીયા, પરિમલભાઈ કુંડલીયા, રાજુભાઈ ગોરી, લોક વિચાર મંચના અધ્યક્ષ સદેવન મકવાણા અને ગોરધનભાઈ દતાણી સહિતના અનેક અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહીને ધ્વજારોહણ અને ધૂનનો અમૂલ્ય લાભ લીધો હતો અને દિવ્ય આનંદ અનુભવ્યો હતો.
આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માધ્યમથી ચાલતી લોકઉપયોગી સેવાઓની માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, અહીં દરરોજ સવારે ૯:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી બાપાની બુંદી-ગાંઠિયાનો પ્રસાદ વિતરિત કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓ માટે આખા વર્ષ દરમિયાન બાપાના વસ્ત્રો, ધ્વજારોહણ, દીપમાળા, પિછવાઈ અને બુંદી-ગાંઠિયાના પ્રસાદ જેવી વિવિધ સેવાઓ અર્પણ કરવાની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ પી. મજીઠીયાએ તમામ જલારામ ભક્તોને આ સેવાઓનો લાભ લેવા અને મંદિરના કાર્યોમાં સહકાર આપવા નમ્ર અનુરોધ કર્યો છે.
