કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા પંજાબમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં થયેલા ઘટાડાને સ્વીકારવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કેજરીવાલે આક્ષેપ કર્યો છે કે કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોની મહેનત અને વાસ્તવિકતા સ્વીકારી લીધી છે, તેમ છતાં ભાજપ અને કોંગ્રેસ પોતાના રાજકીય સ્વાર્થ માટે જાણી જોઈને પંજાબના ખેડૂતોને સતત નિશાન બનાવી રહ્યા છે અને તેમની છબિ ખરાબ કરી રહ્યા છે. ખેડૂતો વિરુદ્ધ આ પ્રકારની રાજનીતિ કરવી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
આ મામલે પ્રતિક્રિયા આપતા 'આપ'ના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે પણ કેન્દ્રીય મંત્રીના નિવેદનનું સ્વાગત કર્યું હતું પરંતુ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે તેમને શિવરાજ સિંહ ચૌહાણની રાજકીય કારકિર્દીની ચિંતા થાય છે કારણ કે મોદી સરકારમાં ખેડૂતોના પક્ષમાં સાચું બોલવાની હિંમત કોઈ બતાવતું નથી. ભારદ્વાજે વૈજ્ઞાનિક આંકડાઓનો હવાલો આપીને સ્પષ્ટ કર્યું કે દિલ્હીમાં ભાજપના મંત્રીઓ દરરોજ સવારે પ્રદૂષણ માટે પંજાબના ખેડૂતોને દોષી ઠેરવે છે, જ્યારે વાસ્તવિકતા સાવ અલગ છે અને ચૌહાણનું નિવેદન આ વાતની સાક્ષી પૂરે છે.
આપ નેતાએ વધુમાં દાવો કર્યો હતો કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ પરાળ સળગાવવાની ઘટનાઓમાં પૂરા ૯૦ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. પંજાબના ખેડૂતોએ ભારે આર્થિક નુકસાન સહન કરીને અને મશીનરીમાં રોકાણ કરીને આ સમસ્યાના નિવારણ માટે સખત મહેનત કરી છે. ખેડૂતોના આ સરાહનીય પ્રયાસોની પ્રશંસા કરવાને બદલે તેમની સતત ટીકા કરવી યોગ્ય નથી, ત્યારે કેન્દ્રીય મંત્રી દ્વારા ખેડૂતોની મહેનતને બિરદાવવી એ વાસ્તવિકતાનો સ્વીકાર છે તેમ 'આપ' દ્વારા જણાવવામાં આવ્યું છે.
