તાજેતરમાં જસદણ ખાતે પાટીદાર સમાજનું એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે મંચ પરથી નિવેદન આપતા જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનને કારણે આપણે એક સારા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલને ગુમાવ્યા તેનો તેમને આજે પણ રંજ છે. એટલું જ નહીં, જો સમય મળશે તો તેઓ રૂબરૂ મુલાકાત કરીને આનંદીબેન પટેલ પાસે માફી પણ માંગશે. દિનેશ બાંભણિયાના આ નિવેદને પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે, જેના કારણે આંદોલનકાળના જૂના સંસ્મરણો અને વિવાદો ફરીથી સપાટી પર આવ્યા છે.
દિનેશ બાંભણિયાના આ નિવેદનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોરબીના અગ્રણી મનોજ પનારાએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી અને આંદોલનકારીઓની માફી માંગવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. મનોજ પનારાએ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે આંદોલનકારીઓએ કોઈની માફી માંગવાની જરૂર નથી, ઉલટાનું પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ. તેમણે યાદ અપાવ્યું હતું કે આનંદીબેન પટેલના કાર્યકાળ દરમિયાન જ પાટીદાર યુવાનોએ જીવ ગુમાવ્યા હતા, બહેન-દીકરીઓ પર લાઠીચાર્જ થયો હતો તેમજ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. જો આ બધું તેમના શાસનમાં થયું ન હતું, તો આ બધું કોના ઇશારે થયું હતું તેવો તીખો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
આ સમગ્ર વિવાદને ઉકેલવા માટે રાજકીય સમીકરણો પર પ્રકાશ પાડતા મનોજ પનારાએ ઉમેર્યું હતું કે આનંદીબેન પટેલનું રાજીનામું એ ભારતીય જનતા પાર્ટીનું આંતરિક રાજકારણ હતું અને તેમાં તેમનો ભોગ લેવામાં આવ્યો હતો. પાટીદાર આંદોલનને માત્ર એક નિમિત્ત કે ઢાળ બનાવીને અમિત શાહ દ્વારા તેમનું રાજીનામું લેવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ અગાઉ કેશુભાઈ પટેલનું રાજીનામું પણ ભાજપની આંતરિક રમતનું જ પરિણામ હતું. જોકે, આનંદીબેન પટેલ સારા મુખ્યમંત્રી હતા તેમાં કોઈ શંકા નથી, પરંતુ તેમના શાસનકાળમાં પાટીદારો પર થયેલા દમન અને અત્યાચારને પણ નકારી શકાય નહીં તેમ કહીને તેમણે આ માىલા પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.
