ગાંધીનગર સ્થિત મંજૂશ્રી રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ (MRIAS) અને મંજૂશ્રી ગોએન્કા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયુશન્સ (MGGI) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ વર્ષના BAMS (બૅચલર ઓફ આયુર્વેદ મેડિસિન એન્ડ સર્જરી)માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના સ્વાગત અર્થે ભવ્ય 'પ્રારંભ - ૨૦૨૬' ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ સમારોહમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. માનસી દેશપાંડે મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે MGGI ના સ્થાપક અપૂર્વ ગોએન્કા તથા સહ-સ્થાપક ડિમ્પલ ગોએન્કા પણ ખાસ ઉપસ્થિત રહીને નવા શૈક્ષણિક સફરની શરૂઆત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આયુર્વેદિક તબીબી શિક્ષણની શિક્ષણ પદ્ધતિ, સંસ્થાની ગૌરવશાળી શૈક્ષણિક પરંપરા, ઉત્કૃષ્ટ મૂલ્યો, શિસ્ત અને તબીબી ક્ષેત્રની વ્યવસાયિક જવાબદારીઓથી ઊંડાણપૂર્વક પરિચિત કરાવવાનો હતો. આજના આધુનિક યુગમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનું મહત્વ સમજાવતા આ ઓરિએન્ટેશન અંતર્ગત વિદ્યાર્થીઓમાં આયુર્વેદ પ્રત્યે સાચી સમજ કેળવાય, તબીબી વ્યવસાય પ્રત્યેની નૈતિક જવાબદારીઓ સમજાઈ શકે અને માનવીય સંવેદના તથા સેવાભાવના જેવા માનવીય ગુણો વિકસિત થાય તે પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના સંચાલકો અને મહાનુભાવોએ આયુર્વેદિક શિક્ષણ, ઉચ્ચ સ્તરીય સંશોધન, વ્યવહારુ તાલીમ તેમજ આધુનિક આરોગ્યસેવા સાથે આયુર્વેદના પ્રાચીન જ્ઞાનના સુમેળભર્યા સમન્વય દ્વારા અત્યંત કુશળ, નિપુણ અને સંવેદનશીલ તબીબો તૈયાર કરવાની પોતાની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ વિદ્યાર્થીઓને આયુર્વેદના પ્રસાર અને પ્રચાર માટે સમર્પિત ભાવથી અભ્યાસ કરવા પ્રેરીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી, જેનાથી વિદ્યાર્થીઓમાં અનેકવિધ નવી આશાઓ અને ઉત્સાહનો સંચાર જોવા મળ્યો હતો.
