આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઝડપી વિકાસ વચ્ચે ટેકનોલોજી જગતમાંથી વધુ એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. અગ્રણી એઆઈ સંશોધન સંસ્થા 'એન્થ્રોપિક'ના સંશોધક તાઓ લિને જાહેર જનતામાં જાગૃતિ ફેલાવવાના હેતુથી એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૭ના અંત સુધીમાં અથવા તો માત્ર દોઢ વર્ષની અંદર જ માનવીઓ કરતાં પણ વધુ બુદ્ધિશાળી અને સર્વક્ષમ એઆઈ સિસ્ટમ્સ અસ્તિત્વમાં આવી જશે. અગાઉ પણ આ સંસ્થાના એક અન્ય સંશોધકે એઆઈના જોખમો વિશે ચેતવણી આપીને રાજીનામું આપ્યું હતું, જે દર્શાવે છે કે ટેકનોલોજી ક્ષેત્રના અંદરખાને નિષ્ણાતોમાં ભારે ચિંતા પ્રવર્તી રહી છે.
તાઓ લિને સ્પષ્ટ કર્યું છે કે સમાજે એઆઈને માત્ર એક નિર્જીવ સાધન કે નિષ્ક્રિય ઉપકરણ તરીકે જોવાની માનસિકતા બદલવી પડશે. ભવિષ્યમાં આ ટેકનોલોજી એક સક્રિય એજન્ટ તરીકે કામ કરશે, જે પોતાના અંગત હિતો અને નિર્ણયો લાગુ કરવા સક્ષમ હશે. જો ભવિષ્યમાં માનવી અને એઆઈની ઈચ્છાઓ વચ્ચે કોઈ ટકરાવ પેદા થશે, તો એઆઈ પોતાની તાકાતના જોરે માનવીની ઈચ્છાને દબાવીને પોતાનું ધાર્યું જ કરાશે. તેમણે ચેતવણી આપી છે કે આ શક્તિ સંતુલનનો અભાવ વ્યક્તિગત જીવનથી લઈને વૈશ્વિક સ્તરે માનવજાત માટે ભારે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
સંશોધકના મતે, યુદ્ધના મેદાનથી માંડીને સોશિયલ મીડિયા પર લોકમત પ્રભાવિત કરવા અને સાયબર હુમલાઓ સુધીના દરેક ક્ષેત્રમાં એઆઈ માનવીઓ કરતાં વધુ શક્તિશાળી સાબિત થઈ શકે છે. આ ટેકનોલોજી માત્ર બૌદ્ધિક રીતે જ નહીં, પરંતુ ભૌતિક અને વ્યવહારિક ક્ષેત્રોમાં પણ માનવ પ્રભુત્વને પડકારી શકે છે. આ સ્થિતિમાં મોટાભાગની વસ્તી સરકારી સહાય કે ટેકા પર નિર્ભર થઈ જવાની સંભાવના પણ નકારી શકાતી નથી. આ ગંભીર જોખમોને ધ્યાનમાં રાખીને સમયસર યોગ્ય નિયંત્રણો અને વૈશ્વિક સ્તરે ગંભીર વિચારણા કરવાની તાતી જરૂરિયાત છે.
