મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા ગુરુવારે ૮૭ વર્ષ જૂની હાજી ઈસ્માઈલ હાજી હબીબ મુસાફિરખાના ઇમારતને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. ૧૯૩૯માં નિર્મિત આ ગ્રાઉન્ડ પ્લસ વન માળની ઇમારતમાં કુલ ૩૬ રૂૂમ આવેલા છે, જેનો પ્રારંભિક ઉપયોગ હજયાત્રીઓ માટે કામચલાઉ આવાસ તરીકે થતો હતો. સમય જતાં આ ઇમારત અત્યંત જર્જરિત બની જતાં તેને C-1 કેટેગરીમાં મૂકવામાં આવી હતી અને બોમ્બે હાઈકોર્ટના ઓગસ્ટ ૨૦૨૦ના આદેશ અનુસાર સેફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ (SBUT)ની વિનંતી બાદ તેને ખાલી કરીને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઇમારત રસ્તાના વિસ્તરણ અને ક્લસ્ટર પુનર્વિકાસ યોજના અંતર્ગત આવતી હોવાથી તેને દૂર કરવી અનિવાર્ય બની હતી.
આ ઇમારતનો ઇતિહાસ મુંબઈના અંડરવર્લ્ડ જગત સાથે ઊંડો સંબંધ ધરાવે છે, કારણ કે ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં પોલીસ કોન્સ્ટેબલ રહેલા ઇબ્રાહિમ કસ્કાર તેમની પત્ની અમીના બી અને બાળકો સાથે ટેમકર મોહલ્લાથી ખસીને આ મુસાફિરખાનાના એક રૂૂમમાં રહેવા આવ્યા હતા. અહીં જ રહેતી વખતે તેમનો પુત્ર દાઉદ ઈબ્રાહિમ ક્રાઈમની દુનિયામાં ખેંચાયો અને પાછળથી મુંબઈના અંડરવર્લ્ડમાં એકછત્ર રાજ કરનાર કુખ્યાત ડોન બન્યો હતો. તે સમય દરમિયાન દાઉદ ઇમારતના પ્રવેશદ્વાર પાસે પોતાના મિત્રો અને ગેંગના સભ્યો સાથે બેસતો હતો અને વર્ષ ૧૯૮૬માં મુંબઈ છોડીને ભાગી છૂટ્યો હતો.
આ ઐતિહાસિક અને કુખ્યાત સ્થળની આસપાસના વિસ્તારો પણ દાઉદ પરિવાર અને તેના સગા સંબંધીઓની પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યા છે, જેમાં નજીક આવેલી ડમરવાલા બિલ્ડિંગ અને હોટેલ રૌનક અફરોઝ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. SBUT દ્વારા ભીંડી બજારમાં હાથ ધરવામાં આવેલા ક્લસ્ટર રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સત્તાવાળાઓ દ્વારા દાઉદ અને તેના પરિવારના કબ્જાવાળી આવી અનેક મિલકતો અગાઉ હરાજીમાં હસ્તગત કરવામાં આવી હતી. હાલમાં આ જર્જરિત મુસાફિરખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલી પ્રાર્થના હોલ સિવાયના તમામ રહેવાસીઓને અન્યત્ર ખસેડી દેવાયા છે અને પોલીસ સુરક્ષા વચ્ચે આ ઇમારતના ધ્વંસની કાર્યવાહી આખરી તબક્કામાં પહોંચી છે.
