ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલના વહીવટ અને જાળવણીને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ખડા થયા છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં મોટું નુકસાન થવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, કાલોલના બાકરોલ અને શક્તિપુરા ગામ વચ્ચે આવેલા ચેઈનેજ 105.344 કિલોમીટર પાસે ક્રોસ રેગ્યુલેટરના સ્ટ્રક્ચર સાઈટમાં ભારે ક્ષતિ સર્જાઈ છે. ખાસ કરીને શક્તિપુરા તરફની કેનાલના માત્ર સો મીટરના જ દાયરામાં ચાર અલગ-અલગ જગ્યાએ કોંક્રિટના મોટા-મોટા ભાગો તૂટીને અલગ થઈ ગયા છે, જે નબળા બાંધકામની પોલ ખોલી નાખે છે.
આ ગંભીર સ્થિતિને કારણે સ્થાનિક રહીશોમાં મોટો ભય અને રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં કેનાલમાંથી નિયમિતપણે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેમાં થતી પાણીની વધઘટને કારણે આ ક્ષતિઓ અને ગાબડાં વધુ વિકરાળ બની રહ્યાં છે. સ્થાનિક લોકોનું માનવું છે કે જો સમયસર આ નુકસાનને રિપેર કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કેનાલમાંથી મોટા પ્રમાણમાં પાણી લીકેજ થવાની કે ગાબડું મોટું થવાની પૂરી સંભાવના છે, જેનાથી આસપાસના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આશ્ચર્યની વાત એ છે કે નર્મદા નિગમ દ્વારા કેનાલની સુરક્ષા અને દેખરેખ માટે ખાસ પેટ્રોલિંગ ટીમો નિયુક્ત કરવામાં આવી છે, જેઓ સતત નિરીક્ષણ કરતી હોય છે. આમ છતાં, કેનાલના સ્ટ્રક્ચરમાં પડેલા આ મોટા ગાબડાં અને નુકસાન સંબંધિત ટીમની નજરે કેમ ચડ્યા નહીં તે એક મોટો સવાલ છે. આસપાસના ખેડૂતો અને ગ્રામજનોએ તંત્રની આ ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કરીને તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.
