પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા અંતર્ગત આવતા સણસોલી ગામના લાખા ફળિયામાં રહેતા ખેડૂત પરિવારો અને ગ્રામજનો હાલ ગંભીર હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામના હેન્ડપંપ પાસેથી પસાર થતો અને લાખા ફળિયા તરફ જતો મુખ્ય રસ્તો કેટલાક ઇસમો દ્વારા દબાણ કરીને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ માર્ગ બંધ થવાને કારણે ફળિયામાં રહેતા નાના બાળકો, અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા ગ્રામજનોની દિનચર્યા ભારે પ્રભાવિત થઈ છે. અગાઉ આ જ મામલે મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવતા તત્કાલીન સમયે યોગ્ય હુકમ કરવામાં આવ્યો હતો, તેમ છતાં તેનો કડક અમલ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અરજદાર રાઠોડ જીતેન્દ્રસિંહ તખતસિંહ સહિતના સણસોલી લાખા ફળિયાના જાગૃત ગ્રામજનો દ્વારા આ બાબતે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ડાંગરનો પાક કાપી લીધા બાદ સામેવાળા વ્યક્તિઓ દ્વારા રસ્તા ઉપર જાણી જોઈને પાણી છોડી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ ખેતરમાં ખેડાણ કરીને અવરજવરનો માર્ગ અવરોધવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં, પરંતુ આગળના ભાગમાં આવેલી પાનમ કેનાલ ઉપર પણ કાંટા નાખીને રસ્તો બદી કરી દેવામાં આવ્યો હોવાનું આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. આ પ્રકારની મનસ્વી કાર્યવાહીના કારણે સ્થાનિક રહીશો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, જેના કારણે કટોકટીના સમયે કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં પણ ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ કાલોલ મામલતદારને આવેદનપત્ર પાટીને અગાઉના તંત્રના હુકમનો તાત્કાલિક ધોરણે કડક અમલ કરાવવાની માંગણી કરી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ કે ઘર્ષણ રોકવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને આ રસ્તો વહેલી તકે ખુલ્લો કરાવવામાં આવે તેવી વિશેષ વિનંતી પણ કરવામાં આવી છે. હવે જોવું એ રહે છે કે સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે કેટલી ઝડપથી અને સક્રિયતાથી પગલાં ભરે છે, જેથી લાખા ફળિયાના હાલાકી ભોગવતા ગ્રામજનોને અવરજવર માટે રાહત મળી શકે.
