JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરના ગોકુલનગર-પાણાખાણમાં દારૂના વિડિયો વાયરલ થયા બાદ પોલીસની લાલ આંખ, સઘન કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ

જામનગરના ગોકુલનગર-પાણાખાણમાં દારૂના વિડિયો વાયરલ થયા બાદ પોલીસની લાલ આંખ, સઘન કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ
જામનગરમાં દારૂના અડ્ડાનો વિડિયો વાયરલ થવાના મામલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસે ગોકુલનગર અને પાણાખાણ વિસ્તારમાં મેગા કોમ્બિંગ ડ્રાઇવ યોજી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેરમાં તાજેતરમાં જ દારૂના અડ્ડાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈ રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉચ્ચસ્તરીય માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડની આગેવાનીમાં પોલીસ કાફલાએ ગોકુલનગર અને પાણાખાણ વિસ્તારને ઘેરી લઈને અચાનક સઘન તપાસ શરૂ કરી હતી. આ ડ્રાઇવનો મુખ્ય હેતુ શહેરમાં અસામાજિક તત્વો, કુખ્યાત બુટલેગરો અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો પર કાયદાનો ડર બેસાડવાનો હતો.

આ સ્પેશ્યલ કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ આક્રમક અભિગમ અપનાવ્યો હતો, જેના પરિણામે પ્રોહિબિશનના પાંચ ગંભીર કેસો નોંધવામાં આવ્યા હતા જ્યારે છ જેટલી નીલ રેઇડ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસ દ્વારા દારૂના ધંધા સાથે સંકળાયેલા આઠ મુખ્ય શખ્સોના ઘર અને ઠેકાણાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. માત્ર દારૂ જ નહીં પરંતુ વિસ્તારના સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાના ભાગરૂપે એક એમ.સી.આર. શખ્સ, એક કુખ્યાત ટપોરી અને બે હિસ્ટ્રીશીટર ઇસમોને પણ રૂબરૂ ચેક કરવામાં આવ્યા હતા જેથી પોલીસનો સપાટો જોઈ ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આ કાર્યવાહીના અંતિમ ચરણમાં પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે પણ સપાટો બોલાવ્યો હતો. ડ્રાઇવ દરમિયાન કુલ 50 જેટલા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મોટર વ્હીકલ એક્ટની કલમ 207 હેઠળ પાંચ વાહનોને ડિટેઇન કરવાની કાર્યવાહી કરાઈ હતી. વાહનો પર ડાર્ક ફિલ્મ લગાવવી, ફેન્સી નંબર પ્લેટનો ઉપયોગ કરવો, લાયસન્સ સાથે ન રાખવું તેમજ નંબર પ્લેટ વગર વાહન ચલાવવા જેવી ગંભીર બાબતો બદલ પોલીસે કુલ નૌ પાવતીઓ ફાટીને સ્થળ પર જ રૂા. 3,300 નો દંડ વસૂલ કર્યો હતો. પોલીસની આ અચાનક અને આક્રમક કાર્યવાહીથી બુટલેગરો અને ટ્રાફિકના નિયમો તોડનારાઓમાં ભારે હડકંપ મચી ગયો છે.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES