જૂનાગઢ શહેરના ઢાલ રોડ વિસ્તારમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા અકીબભાઈ જાવેદભાઈ ગુલમહંમદ સેનમેલી નામના ૨૪ વર્ષીય યુવાને પોતાના ધંધાકીય કામકાજ માટે અમન મહંમદ સાંધા નામના શખ્સ પાસેથી અગાઉ નાણાં વ્યાજે લીધા હતા. પ્રાથમિક વિગતો મુજબ, ફરિયાદીએ આ નાણાં વ્યાજ સાથે સમયસર પરત પણ કરી દીધા હતા. પરંતુ ત્યારબાદ ફરીથી ધંધાકીય જરૂરિયાત ઉભી થતાં તેમણે આરોપી પાસેથી ૪.૫૦ લાખ રૂપિયા વધુ વ્યાજે લીધા હતા. વેપારીએ મુદલ અને વ્યાજ સહિત કુલ ૭ લાખ રૂપિયા પરત ચૂકવી દીધા હોવા છતાં, લોભી અને બેફામ બનેલા વ્યાજખોરની ભૂખ સંતોષાઈ ન હતી અને તેણે અસહ્ય ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
ચૂકવેલી રકમ કરતાં પણ વધુ નાણાંની માગણી કરી રહેલા આરોપી અમન મહંમદ સાંધાએ તમામ મર્યાદાઓ વટાવીને હચમચાવી દે તેવી હરકતો આચરી હતી. તે અવારનવાર વેપારીના ઘરે પહોંચી જઈને ગાળાગાળી કરતો હતો અને એટલું જ નહીં, પોતાની પાસે રહેલ તમંચા જેવું ઘાતક હથિયાર બતાવીને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપતો હતો. આ ડરના માહોલ વચ્ચે આરોપીએ વેપારીના ઘરમાંથી બળજબરીપૂર્વક ૧૦,૦০০ રૂપિયા રોકડા પણ પડાવી લીધા હતા. આટલેથી સંતોષ ન થતાં તેણે બાકી રહેતી રકમની પઠાણી ઉઘરાણી કરવા માટે ત્રણ કોરા ચેક ઉપર પણ બળજબરીપૂર્વક સહીઓ કરાવી લીધી હતી.
વ્યાજખોરના આ અન્યાયી અને ત્રાસદાયક વર્તનથી કંટાળીને આખરે વેપારીએ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. મકવાણા દ્વારા ધીરધાર એક્ટ સહિતની સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
