વાવ-થરાદ પંથકમાં ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કડક કાર્યવાહીના ભાગરૂપે એલસીબી વાવ-થરાદની ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે મોટા મેસરા ગામની સીમમાંથી પસાર થતા થરાદ-સાંચોર રોડ પરથી એક શંકાસ્પદ કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ માહિતીને આધારે પોલીસે તાત્કાલિક તે વિસ્તારમાં વોચ ગોઠવીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
ચેકિંગ દરમિયાન એક પૂરપાટ ઝડપે આવી રહેલી ક્રેટા કારના ચાલકને રોકવાનો પ્રયાસ કરતા તેણે ગાડી ઊભી રાખવાને બદલે ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસની ગાડીએ તરત જ તેનો પીછો શરૂ કરતા ચાલક ગભરાઈ ગયો હતો અને મોટા મેસરાની સીમમાં કાર મૂકીને અંધારામાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કારની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિપુલ માત્રામાં બોટલો મળી આવી હતી, જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
ઘટનાસ્થળેથી ઝડપાયેલા મુદ્દામાલની સઘન તપાસ કરતા કારમાંથી કુલ ૧,૮૪૮ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૪,૭૮,૫૬૦ જેટલી થાય છે. પોલીસે રૂ. ૭ લાખની કિંમતની ક્રેટા કાર અને દારૂ મળીને કુલ રૂ. ૧૧,૭૮,૫૬૦નો માલસામાન કબજે કર્યો છે. કારના ફરાર ચાલક મહેન્દ્ર નાગજીભાઈ રાજપૂત (રહે. ચારડા, તા. થરાદ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તેની ધરમાકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
