જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ખામધ્રોળ રોડ પરના ચુનારાવાસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિજ ફાટક નજીક રહેતા ૨૩ વર્ષીય ફેઝલ નવસાદભાઈ અબડા ગત ૧૪ નવેમ્બરના રોજ બપોરે ખામધ્રોળ રોડ પર આવેલા ચુનારાવાસમાં તોફીક સલીમભાઈના ઘરે ગયા હતા. આ દરમિયાન એશાન ઉર્ફે લપ બાબુભાઈ મડ નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને ફેઝલને 'તું તોફીક સાથે કેમ ફરે છે?' તેમ કહીને ઉશ્કેરાઈ ગયો હતો અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ મામલો વકરતા આરોપી એશાને પોતાની સાથે લાવેલા ધોકા અને લોખંડના પાઈપ વડે ફેઝલ પર આડેધડ હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, આરોપીએ પોતાની પાસે રહેલી ધારદાર તલવાર ફેઝલની ગરદન પાસે મૂકી ડરાવી-ધમકાવીને તેના શર્ટના ખિસ્સામાંથી ૮૦૦ રૂપિયાની રોકડ રકમ બળજબરીપૂર્વક લૂંટી લીધી હતી. એટલું જ નહીં, આરોપીએ વધુ ક્રૂરતા દાખવીને ફેઝલના પગના ભાગે તલવારનો ઘા ઝીંકી દીધો હતો, જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો.
આ ખૂની હુમલા દરમિયાન વચ્ચે બચાવ કરવા માટે આવેલા યુનુસભાઈ સંઘાર નામના અન્ય વ્યક્તિ પર પણ આરોપીએ હુમલો કર્યો હતો અને ત્યાંથી ભાગતી વખતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઘટના બાદ તાત્કાલિક ધોરણે લોહીથી લથપથ થયેલા ઈજાગ્રસ્ત યુવક ફેઝલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
