જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ આતંકવાદ વિરોધી અભિયાનમાં મોટી સફળતા હાંસલ કરતા લશ્કર-એ-તૈયબાના કુખ્યાત કમાન્ડર લતિફ ભટ્ટને ઠાર કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષાદળોને આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. બપોરે અંદાજે ૨:૪૫ કલાકે લતિફ ભટ્ટે સુરક્ષાદળો પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેનાથી બંને પક્ષો વચ્ચે ભીષણ અથડામણ ફાટી નીકળી હતી. આતંકવાદી ભટ્ટ ભાગી છૂટવાના પ્રયાસમાં એક મસ્જિદની અંદર જઈને છુપાયો હતો.
ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ અત્યંત સંયમ અને વ્યાવસાયિક સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું હતું. કુલગામના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) અનાયત અલી ચૌધરી અને ૯ રાષ્ટ્રીય રાઇફલ્સના CEO દ્વારા લતિફ ભટ્ટને આત્મસમર્પણ કરવા માટે લાંબી વિડીયો કોલ અને ફોન દ્વારા અનેક વખત સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે, તમામ અપીલોને નકારી કાઢીને ભટ્ટે શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સુરક્ષાદળોએ માન-મર્યાદા અને ધાર્મિક સ્થળની પવિત્રતા જળવાઈ રહે તથા મસ્જિદને નુકસાન ન થાય તે માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નું ચુસ્તપણે પાલન કરીને બિન-વિનાશક પદ્ધતિઓથી જ આતંકવાદીને કાબૂમાં લેવાના પ્રયાસો જારી રાખ્યા હતા.
ઠાર કરાયેલો આતંકવાદી લતિફ ભટ્ટ પ્રદેશમાં શાંતિ, પ્રવાસન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના અનેક હુમલાઓ સાથે સંકળાયેલો હતો. નોંધનીય છે કે બે દિવસ અગાઉ જ કુલગામમાં સીઆરપીએફ (CRPF) ની ચોકી પર થયેલા હુમલામાં સામેલ અન્ય એક આતંકવાદી ઉમર નિસાર દારને સુરક્ષાદળોએ એક અથડામણમાં ઠાર કર્યો હતો, જેની પાસેથી લતિફ ભટ્ટે અગાઉ મદદ મેળવી હતી અને તે ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. લતિફ ભટ્ટના ખાતમાથી સુરક્ષાદળોને મોટી રાહત મળી છે અને પ્રદેશમાં આતંકવાદી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.
