ગેમિંગ જગતમાં સૌથી વધુ રાહ જોવડાવનારી વીડિયો ગેમ 'ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6' (GTA 6) આગામી 19 નવેમ્બર, 2026ના રોજ પ્લેસ્ટેશન 5 અને એક્સબોક્સ સિરીઝ એક્સ/એસ પર સત્તાવાર રીતે લૉન્ચ થવા જઈ રહી છે. આ ગેમ વિવિધ પ્રદેશોમાં સ્થાનિક સમય મુજબ મધ્યરાત્રિએ રિલીઝ થવાની છે, જેના કારણે જે દેશોમાં સૂર્યોદય વહેલો થાય છે ત્યાં આ ગેમ વહેલી ઉપલબ્ધ બનશે. ન્યુઝીલેન્ડ એવા પ્રથમ દેશોમાં સામેલ છે જ્યાં આ ગેમ સૌથી પહેલાં અનલૉક થશે. ઉદાહરણ તરીકે, ભારતમાં આ ગેમ 19 નવેમ્બરે રાત્રે 12 વાગ્યે લોન્ચ થવાની છે, પરંતુ જો ન્યુઝીલેન્ડ ટ્રિક કામ કરી જાય તો ભારતીય ગેમર્સ તેને 18 નવેમ્બરની સાંજે 4:30 વાગ્યે જ એટલે કે સાડા સાત કલાક વહેલા રમી શકશે.
આ 'ન્યુઝીલેન્ડ ટ્રિક' એ કોઈ નવી પદ્ધતિ નથી, પરંતુ અગાઉ પણ ગેમર્સ દ્વારા ઘણી મોટી ગેઈમિંગ રિલીઝ વખતે વહેલી એક્સેસ મેળવવા માટે તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિ એટલા માટે કામ કરે છે કારણ કે કેટલાક પ્રદેશોમાં ગેમ્સ વૈશ્વિક સ્તરે એકસાથે લૉન્ચ થવાને બદલે સ્થાનિક સમય ઝોન મુજબ મધ્યરાત્રિએ અનલૉક થાય છે. એક્સબોક્સ યુઝર્સ માટે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે કારણ કે તેઓ માત્ર કન્સોલની લોકેશન સેટિંગ્સ બદલીને ન્યુઝીલેન્ડ કરી દે તો તેઓ પ્રી-લોડેડ ગેમની મજા માણી શકે છે. જો કે, પ્લેસ્ટેશન 5 (PS5) ના યુઝર્સે આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે થોડી અલગ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે કારણ કે માત્ર ટાઈમઝોન બદલવાથી પીએસ ફાઈવ પર લોકલ સ્ટોરની ગેમ અનલૉક થતી નથી.
એક્સબોક્સ સિરીઝ એક્સ/એસના ખેલાડીઓએ સેટિંગ્સમાં જઈને 'સિસ્ટમ' અને ત્યારબાદ 'લૅંગ્વેજ એન્ડ લોકેશન'માં જઈને લોકેશન ન્યુઝીલેન્ડ સિલેક્ટ કરવાનું રહેશે અને કન્સોલ રીસ્ટાર્ટ કરવો પડશે. બીજી બાજુ, પીએસ 5 (PS5) યુઝર્સે ન્યુઝીલેન્ડના રિજિયનવાળું નવું પીએસએન એકાઉન્ટ બનાવવું પડશે અને ન્યુઝીલેન્ડના પીએસએન ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરીને ત્યાંના સ્ટોરમાંથી જ જીટીએ 6 ખરીદવી પડશે. આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ મુખ્ય એકાઉન્ટથી પણ ગેમ રમી શકાય છે. જો કે, રોકસ્ટાર ગેમ્સ કે માઈક્રોસોફ્ટ દ્વારા આ પદ્ધતિની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેથી આ ટ્રિક સો ટકા કામ કરશે જ તેની કોઈ ખાતરી નથી, છતાં ગેમર્સમાં આ બાબતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
