JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ શ્રમ અને લોકશાહી બંને માટે ખતરો બની શકે છે: સત્યા નડેલા

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ શ્રમ અને લોકશાહી બંને માટે ખતરો બની શકે છે: સત્યા નડેલા
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ ચેતવણી આપી છે કે જો એઆઈ માનવ કામદારોનું સ્થાન લઈ લેશે, તો માત્ર રોજગારી જ નહીં પરંતુ સમગ્ર લોકશાહી અને અર્થવ્યવસ્થા પણ જોખમમાં મુકાઈ જશે.

સાન ફ્રાન્સિસ્કો ખાતે યોજાયેલી 'માઈક્રોસોફ્ટ ઇગ્નાઈટ ૨૦૨૬' ઇવેન્ટ પછી એક રાઉન્ડટેબલ ચર્ચા દરમિયાન માઈક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી સત્યા નડેલાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના અનિયંત્રિત વિકાસ અને તેના ભયસ્થાન વિશે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં માત્ર મૂડી અને ટેક્નોલોજી જ રહેશે અને માનવ શ્રમનું કોઈ અસ્તિત્વ નહીં રહે, તો લોકશાહી પાયાવિહોણી બની જશે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ નેતા કે પક્ષ ચૂંટણી જીતી શકશે નહીં કારણ કે શ્રમ વગરની અર્થવ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું. નડેલાએ માત્ર ટેક્નોલોજી દિગ્ગજો વચ્ચેના બજાર મૂલ્યની દોડ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ એક અત્યંત સંકુચિત વિચારસરણી છે, કારણ કે એક શક્તિશાળી એઆઈ મોડેલ સ્વાસ્થ્ય સેવાઓ, નાણાકીય ક્ષેત્રથી લઈને આખી સરકાર પર પણ નિયંત્રણ મેળવી શકે છે.

આધુનિક ટેક્નોલોજીના પ્રભાવ વિશે વાત કરતાં નડેલાએ માર્ક્સવાદી વિચારધારાનો ઉલ્લેખ કરીને ચેતવણી આપી હતી કે જો સમગ્ર બજાર પર માત્ર એક જ એઆઈ કંપનીનું વર્ચસ્વ સ્થાપિત થઈ જશે, તો તે સમગ્ર માનવજાત માટે વિનાશક સાબિત થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો તમામ માનવ મૂડી ડિજિટલ ટોકન્સમાં રૂપાંતરિત થઈ જશે, તો વ્યાપારી સંસ્થાઓ અને તેમાં કામ કરતા કર્મચારીઓનું કોઈ મહત્ત્વ નહીં રહે. અગાઉ જૂન મહિનામાં પણ એક્સ (X) પર પોસ્ટ કરીને તેમણે દરેક કંપનીને પોતાની સ્વતંત્ર 'ટોકન કેપિટલ' વિકસાવવા પર ભાર મૂક્યો હતો. વૈશ્વિકરણના યુગમાં આઉટસોર્સિંગે જે રીતે ઔદ્યોગિક અર્થવ્યવસ્થાઓને ખોખલી કરી દીધી હતી, તે જ જોખમ આજે એઆઈના કારણે ઊભું થયું છે અને રાજકીય અર્થવ્યવસ્થા આ અસંતુલનને લાંબો સમય સુધી સહન નહીં કરે.

માઈક્રોસોફ્ટ દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલી નવી સાધનો અને નીતિઓ પણ આ જ વિચારધારાને અનુસરે છે, જે વ્યવસાયોને પોતાના ડેટા પર નિયંત્રણ રાખવા અને સસ્તું એઆઈ મોડેલ પસંદ કરવાની છૂટ આપે છે. નડેલાનું માનવું છે કે જો વિશ્વ અને અર્થવ્યવસ્થાને જીવંત રાખવી હોય, તો માત્ર એક કે બે કંપનીઓ નહીં પરંતુ વ્યવસાયોની જરૂરિયાત મુજબ અનેક મોડેલોનું અસ્તિત્વ હોવું અનિવાર્ય છે. એઆઈ સેગમેન્ટમાં ચેતના (Consciousness) અંગેના સવાલ પર તેમણે મત વ્યક્ત કર્યો હતો કે વર્તમાન મોડેલ્સમાં ચેતના હોતી નથી, પરંતુ તે અર્થતંત્ર અને રાજકારણને આમૂલ પરિવર્તિત કરવાની ક્ષમતા ચોક્કસ ધરાવે છે. જો કામદારો પાસે આ વ્યવસ્થામાં કોઈ હિસ્સો જ નહીં રહે, તો સામાન્ય મતદારો અને જનતા આ ટેક્નોલોજી આધારિત વ્યવ્સ્થાને સમર્થન આપવાનું બંધ કરી દેશે.

ટેકનોલોજી વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES