પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા હાલોલ-શામળાજી ટોલ હાઈવે પર કાલોલ અને હાલોલ વચ્ચે આવેલા મધવાસ પાટીયા પાસે માર્ગ સુરક્ષાના દાવાઓની પોલ ખોલતી ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં તંત્ર દ્વારા રોડની વચ્ચે બનાવવામાં આવેલા ડિવાઈડરના છેડા અત્યંત વિચિત્ર અને અસમાન રીતે મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને બંને તરફની અંદરની લેન સામે જ ડિવાઈડરના કટ આપવામાં આવ્યા હોવાને કારણે હાઈવે પર સતત દોડતા હજારો વાહનો માટે એક નાનકડી નજરચૂક પણ ભારે જીવલેણ સાબિત થઈ શકે છે. હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર એન્જિનિયરિંગની આ મોટી ખામી વાહનચાલકો માટે રોજિંદી મુસીબત બની રહી છે.
આ માર્ગ પર સર્જાતા જોખમ પાછળ તંત્રની ઉદાસીનતા મુખ્ય કારણ જવાબદાર છે. આટલો મોટો અને અસમાન ડિવાઈડર કટ હોવા છતાં સંબંધિત ઓથોરિટી દ્વારા કોઈ જ પ્રકારના ચેતવણીરૂપ સાઈનબોર્ડ કે રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા નથી. પરિણામે, રાત્રિના અંધકારમાં સીધી લેનમાં ઝડપથી પસાર થતા કે ઓવરટેક કરતા અજાણ્યા વાહનચાલકોને આ કટનો કોઈ જ અંદાજ આવતો નથી. વળી, રાત્રે સામેથી આવતા વાહનોની તેજ હેડલાઈટ કે ડીપરના પ્રકાશને કારણે ડ્રાઈવરોને ડિવાઈડરની સ્થિતિ દેખાતી નથી, જેના કારણે વાહન પરથી કાબૂ ગુમાવવાની અથવા સામસામે અથડાવાની ભીતિ હંમેશાંબનેલી રહે છે.
આ ગંભીર સમસ્યાના કારણે અગાઉ પણ મધવાસ પાટીયા પાસે નાના-મોટા અકસ્માતો સર્જાયા હોવાનું સ્થાનિક વાહનચાલકો જણાવી રહ્યા છે. ચોવીસ કલાક ધમધમતા આ હાઈવે પર ક્યારેક કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં યોગ્ય પગલાં ભરવા અનિવાર્ય છે. સ્થાનિક નાગરિકો અને અવારનવાર પસાર થતા વાહનચાલકો દ્વારા ટોલ કંપની અને હાઈવે ઓથોરિટી સમક્ષ ઉગ્ર માગ કરવામાં આવી છે કે વહેલી તકે આ ડિવાઈડરના કટ સરખા કરીને સમાંતર કરવામાં આવે તેમજ પૂરતા સાઈનબોર્ડ અને સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે જેથી પ્રવાસીઓ સલામત રીતે મુસાફરી કરી શકે.
