પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત જિલ્લા પંચાયત કચેરીના બી.આર.જી.એફ્. હોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત 'જનજાતીય ગૌરવ સપ્તાહ' અંતર્ગત એક વિશેષ મહિલા સભા યોજાઈ હતી. ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે તા. ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન આ ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાતીય સમાજના હકો અને મહિલાઓના ઉત્થાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો, જેમાં મોટી સંખ્યામાં આદિજાતિ મહિલાઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, જળ, જમીન અને જંગલ એ આદિવાસી સમાજની સાચી ઓળખ અને તેમના અધિકારો સાથે સીધા જોડાયેલા છે. આ પવિત્ર અધિકારોના રક્ષણ માટે જ ભગવાન બિરસા મુંડાએ પોતાના જીવનનું બલિદાન આપીને સમાજને જાગૃત કર્યો હતો. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ પોતાના સંબોધનમાં મહિલાઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે, મહિલાઓ આજે લોકસેવા અને સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર બની રહી છે. સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનું સફળ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ સભા દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ અન્ય સંબંધિત સરકારી વિભાગો દ્વારા વિશેષ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા, જેના દ્વારા મહિલા લક્ષી વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત આદિજાતિ મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત મંજૂર થયેલા સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયોજનથી સ્થાનિક મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમને આત્મનિર્ભર બનવાની નવી દિશા મળી હતી.
