ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા અંતર્ગત આવતા ચડાસણા ગામે ધર્મ અને અધ્યાત્મનો એક અલૌકિક નજારો જોવા મળ્યો હતો, જ્યાં શ્રી રામજી મંદિરના જીર્ણોદ્ધાર તેમજ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા સાથે શ્રી ઉમિયા માતાજી અને શ્રી રાધા-કૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિવેણી સંગમ સમાન ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવને લઈને સમગ્ર ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામને અત્યંત સુંદર રીતે રોશની અને ધ્વજ-પતાકાઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જેણે આવનાર દરેક ભક્તનું મન મોહી લીધું હતું.
આ ભવ્ય મહોત્સવ દરમિયાન અનેકવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે દેવ-પ્રતિષ્ઠા વિધિઓસંપન્ન કરવામાં આવી હતી. આ અવસરે પધારેલા સંતો-મહંતોના આશીર્વચન અને ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને વધુ પવિત્ર બનાવ્યું હતું. ગામના અગ્રણીઓ, ઉદાર દાતાઓ, યજમાનો તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈને મહાપ્રસાદ અને ધાર્મિક લાભ લીધો હતો. આયોજકો દ્વારા દરેક વિધિનું સચોટ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેથી દરેક ભક્ત સરળતાથી દર્શનનો લાભ લઈ શકે.
મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા મંદિર પરિસર અને ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી, જે ક્ષણ સૌના માટે અવિસ્મરણીય બની રહી હતી. હેલિકોપ્ટરમાંથી થતી પુષ્પવર્ષાને નિહાળીને ભક્તો ગદ્ગદ થઈ ગયા હતા અને આકાશ ગુંજી ઉઠે તેવા નાદ સાથે 'જય શ્રી રામ', 'જય ઉમિયા માતાજી' તથા 'રાધે-કૃષ્ણ'ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ અનોખા ધાર્મિક મહોત્સવે ચડાસણા ગામના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય જોડ્યો છે.
