JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

વઢવાણના અધેલી પ્રાથમિક શાળામાં શિક્ષક કાંતિભાઈ પટેલનો ભાવનાભર્યો વિદાય સમારંભ યોજાયો

વઢવાણના અધેલી પ્રાથમિક શાળામાં શિક્ષક કાંતિભાઈ પટેલનો ભાવનાભર્યો વિદાય સમારંભ યોજાયો
વઢવાણ તાલુકાની અધેલી પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક કાંતિભાઈ પટેલના સન્માનમાં એક ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામજનો અને આગેવાનોએ તેમની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવી ભેટ-સોગાદો સાથે ભાવભીની વિદાય આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા અંતર્ગત આવતી અધેલી ગામની પ્રાથમિક શાળામાં લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મદદનીશ શિક્ષક કાંતિભાઈ પોપટભાઈ પટેલ વય મર્યાદા પૂરી થતાં સરકારી સેવાઓમાંથી નિવૃત્ત થયા છે. તેમની આ શૈક્ષણિક સફરના અંતિમ દિવસે શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા એક વિશેષ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા અગ્રણીઓ તેમજ ગામના પ્રતિષ્ઠિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નિવૃત્ત શિક્ષકની સેવાઓને યાદ કરી હતી અને તેમને ભવિષ્યના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં અધેલી ગામના સરપંચ અજીતભાઈ ગઢવી અને ઉપસરપંચ મહેન્દ્રભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેળવણી નિરીક્ષક જયદેવસિંહ ઝાલા, વેળાવદર શાળાના આચાર્ય દિલીપભાઈ પંડ્યા, નગરા કન્યા શાળાના આચાર્ય પ્રવીણભાઈ રેથળિયા, અધેલી શાળાના આચાર્ય ઈશ્વરભાઈ અંબારીયા તેમજ જીતેન્દ્ર વાઘ સહિતના અનેક મહાનુભવોએ ઉપસ્થિત રહીને કાંતિભાઈના અધ્યાપન કાર્યની પ્રશંસા કરી હતી. આ તમામ અતિીઓ દ્વારા કાંતિભાઈને શાલ ઓઢાડી, શ્રીફળ ભેટ આપી તથા સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરીને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

સમારંભના અંતે નિવૃત્ત શિક્ષક કાંતિભાઈ પટેલે પણ પોતાની ફરજ પ્રત્યેનો અનોખો પ્રેમ અને સમર્પણ ભાવ દર્શાવ્યો હતો. તેમણે પોતાના ખર્ચે શાળાના તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી લંચબોક્સ ભેટ આપ્યા હતા અને સાથે સાથે શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે શાળાને રૂપિયા 8 હજારની કિંમતના સાઉન્ડ સ્પીકરની ભેટ આપી હતી. તેમની આ ઉદાર અને સેવાભાવી નૈતિકતાથી આખો શાળા પરિવાર અને ગ્રામજનો અભિભૂત થઈ ગયા હતા, જેણે આ વિદાય સમારંભને સૌના માટે હંમેશાં યાદગાર બનાવી દીધો હતો.

LATEST ARTICLES