ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા અંતર્ગત આવતા ચડાસણા ગામે આસ્થા અને ભક્તિનો એક અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જ્યાં ગામમાં નિર્મિત ભવ્ય ત્રિમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા-વિધિ સાથે ઉત્સવની શરૂઆત થઈ હતી. સમસ્ત ગ્રામજનો અને ધર્મપ્રેમી નાગરિકોના સહયોગથી આયોજિત આ મહોત્સવને કારણે સમગ્ર પંથક ધર્મમય બની ગયો હતો અને દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આ અલૌકિક અવસરમાં સામેલ થવા માટે ઉમટી પડ્યા હતા.
આ ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન ચડાસણા ખાતે શ્રી રામજી મંદિરના ભવ્ય જીર્ણોદ્ધાર બાદ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, એટલું જ નહીં પરંતુ સાથેસાથે શ્રી ઉમિયા માતાજી અને શ્રી રાધા-કૃષ્ણના નૂતન મગંળ મંદિરોની પણ શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. આ ધાર્મિક અનુષ્ઠાનને અવિસ્મરણીય બનાવવા માટે આયોજકો દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મહોત્સવના મુખ્ય દિવસે જ્યારે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા મંદિર પરિસર અને ત્યાં ઉપસ્થિત વિશાળ જનમેદની પર ફૂલોની વર્ષા કરવામાં આવી, ત્યારે આ દ્રશ્ય જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને વાતાવરણ જયશ્રી રામ તથા ઉમિયા માતાના જયકારોથી ગુંજી ઉઠ્યું હતું.
આ દિવ્ય અને ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ગામના અગ્રણીઓ, ઉત્સાહી યુવાનો, યજમાનો અને ઉદારદિલ દાતાઓએ સરાહનીય યોગદાન આપ્યું હતું. આ પવિત્ર અવસરે પધારેલા પ્રખ્યાત સંતો-મહંતોના દિવ્ય સાનિધ્ય અને આશીર્વાદથી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવેલી પુષ્પવર્ષા આખા મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની રહી હતી, જેની ચર્ચાઓ લાંબા સમય સુધી આસપાસના વિસ્તારોમાં યાદગાર બની રહેશે. અંતમાં મહાપ્રસાદ અને ધાર્મિક વિધિઓની પૂર્ણાહુતિ સાથે આ ભવ્ય મહોત્સવની પવિત્ર સાંગોપાંગ સમાપ્તિ થઈ હતી.
