JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

ડીસા માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોના નાણાંનો દુરુપયોગ, ઓર્ગેનિક ખેતીના બહાને લાખોનું વેડફાણ

ડીસા માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોના નાણાંનો દુરુપયોગ, ઓર્ગેનિક ખેતીના બહાને લાખોનું વેડફાણ
બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડના હોદ્દેદારોએ ઓર્ગેનિક ખેતીના અભ્યાસના નામે સિક્કિમ અને દાર્જિલીંગનો હવાઈ પ્રવાસ કરી ખેડૂતોની પરસેવાની કમાણીના રૂ. 4.80 લાખથી વધુની રકમનો ધુમાડો ઉડાડ્યો છે. આ બેજવાબદાર કૃત્યને કારણે સ્થાનિક ખેડૂત આલમમાં ભારે રોષ ફેલાયો છે.

ઉત્તર ગુજરાતના મુખ્ય વેપારી મથક તરીકે જાણીતા ડીસા માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોના હિતો સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનો એક ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. માર્કેટયાર્ડના સેક્રેટરી, ચેરમેનના પુત્ર તેમજ ૧૧ ડિરેક્ટરો સહિતના કુલ હોદ્દેદારોએ પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ખાતે આઠ દિવસીય વૈભવી પ્રવાસ ખેડ્યો હતો. ખેડૂતો પાસેથી લેવાતી સેસ અને ફીની રકમમાંથી આ પ્રવાસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેને લઈને સત્તાધીશો સામે ખેડૂતોના નાણાંના બેફામ દુરૂપયોગના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

આ પ્રવાસ પાછળ સત્તાધીશો દ્વારા ઓર્ગેનિક ખેતીની પદ્ધતિઓ સમજવાનો તર્ક રજૂ કરવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે બેબુનિયાદ સાબિત થાય તેમ છે. વાસ્તવિકતા એ છે કે સિક્કિમ અને દાર્જિલીંગ જેવા પહાડી તથા ઠંડા વિસ્તારોમાં મુખ્યત્વે ચા, ઈલાયચી, સ્ટ્રોબેરી અને સંતરા જેવા પાકોની ખેતી થાય છે. ભૌગોલિક પરિસ્થિતિની દ્રષ્ટિએ બનાસકાંઠા અને ગુજરાતના ગરમ વાતાવરણમાં આ પ્રકારની ખેતી થવી તદ્દન અશક્ય છે. સ્થાનિક ખેડૂતોને કોઈપણ પ્રકારનો ફાયદો ન થાય તેવા પ્રદેશોની મુલાકાત માત્ર મોજશોખ અને વિમાન મુસાફરી માટે જ ગોઠવવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે.

ખેડૂતોના પરસેવાની કમાણી પર મોજશોખ કરતા જવાબદાર હોદ્દેદારોના આ વલણથી ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અન્નદાતાઓની મહેનતના નાણાં આમ એજન્ડા વગરના પ્રવાસોમાં વેડફાઈ જતાં ખેડૂત સંગઠનો અને સ્થાનીકો દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે. આ પ્રવાસનો ખર્ચ કરનાર જવાબદારો સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવે અને ખર્ચવામાં આવેલી રકમની તેમની પાસેથી સત્વરે રિકવરી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાગ પ્રબળી બની છે.

LATEST ARTICLES