અમદાવાદ જિલ્લાની વિવિધ આરોગ્ય શાખાઓમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ 'વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ અવેરનેસ વીક'ની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. આ વિશેષ સપ્તાહ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (એ.એમ.આર.) એટલે કે દવાઓની અસકારકતા સામેની પ્રતિકારકતા અંગે સામાન્ય જનતામાં જાગૃતિ ફેલાવવાનો છે. આ અભિયાન દ્વારા નાગરિકોને એન્ટિબાયોટિક દવાઓનો બિનજરૂરી ઉપયોગ અટકાવીને તેનો જવાબદારીપૂર્વક અને તર્કબદ્ધ ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં સ્વાસ્થ્ય સંબંધી ગંભીર જોખમોથી બચી શકાય.
આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તેમજ માઈક્રોબાયોજિસ્ટ્સની વિશેષ ટીમ દ્વારા માર્ગદર્શક વક્તવ્યો અને પોસ્ટર પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. નિષ્ણાત તબીબો દ્વારા ઉપસ્થિત લોકોને એન્ટિબાયોટિક્સ દવાઓ ક્યારે અને કેવી રીતે લેવી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ડોક્ટરની પરામર્શ વગર જાતે જ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદીને વાપરવાની આદત સામે ચેતવણી આપવાની સાથેસાથે રોગોથી બચવા માટે હાથની સ્વચ્છતા જાળવવી અને ચેપ નિયંત્રણના ઉપાયો અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત ફાર્માસિસ્ટ સમુહ અને પેરામેડિકલ સ્ટાફે એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ સામે લડવા માટે સામુહિક પ્રયાસો કરવાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 'ચાલો, ભવિષ્યની પેઢી માટે એન્ટિમાઈક્રોબિયલ દવાઓની અસરકારકતા જાળવીએ, જનજાગૃતિ ફેલાવીએ' ના પ્રેરણાદાયી સૂત્ર સાથે આ અભિયાનને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરાઈ છે. આરોગ્ય વિભાગના આ સરાહનીય પ્રયાસથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકો દવાઓના અતાર્કિક ઉપયોગથી દૂર રહીને પોતાના સ્વાસ્થ્યનું વધુ સારી રીતે રક્ષણ કરી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
