રાજકોટના મણિયાર દેરાસર ઉપાશ્રય ખાતે જીવદયાના ઉત્તમ ઉદાહરણ સમાન એક ભવ્ય ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય પ્રશમશીલાશ્રીજી મ.સા.ના શિષ્યાઓ સહિત અનેક વિરક્ત સંતોની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં જીવદયાના મહિમા પર સુંદર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર. પૂજ્યશ્રી ઈન્દુબાઈ મહાસતીજીના અંતરીક્ષ આશીર્વાદ અને સોનલબાઈ મહાસતીજીની પ્રેરણા પણ સહુને પ્રાપ્ત થઈ હતી, જેનાથી ઉપસ્થિત જનમેદનીમાં આધ્યાત્મિક અને સેવાની ભાવના વધુ પ્રબળ બની હતી.
સેવાકીય પ્રવૃત્તિઓની વિગત આપતા આયોજકોએ જણાવ્યું હતું કે, દિવાળીના પવિત્ર દિવસો નિમિત્તે જીવદયાપ્રેમી ઉપેનભાઈ મોદીના માર્ગદર્શન તથા બાપા સીતારામ ગૌ સેવા મંડળના સમીરભાઈ કામદાર અને અસંખ્ય દાતાઓના ઉદાર સહયોગથી આશરે ૫૧૦૦ મણ એટલે કે આશરે ૧,૦૨,૦૦૦ કિલોગ્રામ જેટલો માતબર ઘાસચારો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ વિશાળ જથ્થો જરૂરિયાતમંદ અને અબોલ જીવોની સેવા માટે શહેર તથા આસપાસની કુલ ૪૧ ગૌશાળાઓમાં વિતરણ કરવામાં આવ્યો હતો, જેણે પશુઓની સેવામાં એક નવો ચીલો ચાતરીયો છે.
આ ભવ્ય આયોજનમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, જનસેવા ટ્રસ્ટના પ્રમુખ અજયભાઈ વખારીયા, અગ્રણી મનીષભાઈ માદેકા, અરૂણભાઇ દોશી, દીપકભાઈ મહેતા, ડૉ. રાજુભાઈ કોઠારી, જીતુભાઈ વસા સહિત અનેક ગણમાન્ય વ્યાપારી અગ્રણીઓ, સંસ્થાઓના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વીરેન્દ્રભાઈ સંઘવી અને મેહુલભાઈ રવાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે જીવદયા ગ્રુપના તમામ કાર્યકરો અને મહિલા મંડળોએ ભારે જહેમત ઉઠાવી આ મહાયજ્ઞને સફળ બનાવ્યો હતો.
