JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

સાબરકાંઠામાં પ્રતિકૂળ વાતાવરણ અને મોંઘા ખર્ચને કારણે બટાકાના વાવેતરમાં મોટો ઘટાડો

સાબરકાંઠામાં પ્રતિકૂળ વાતાવરણ અને મોંઘા ખર્ચને કારણે બટાકાના વાવેતરમાં મોટો ઘટાડો
સાબરકાંઠા જિલ્લામાં અપૂરતા વરસાદ, ભૂગર્ભ જળના તળ ઊંડા જવા અને વધતા ઉત્પાદન ખર્ચને કારણે ખેડૂતોએ બટાકાની ખેતીથી મોં ફેરવ્યું છે, જેના પગલે ૩૦ ટકાથી વધુ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.

બનાસકાંઠાની રાહ પર સાબરકાંઠાના ખેડૂતો પણ છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરાગત પાકોને છોડીને બટાકાની વ્યાપક ખેતી તરફ વળ્યા હતા. પરંતુ આ વર્ષે જિલ્લાના તમામ તાલુકાઓમાં ચોમાસા દરમિયાન સંતોષકારક વરસાદ ન વરસવાને કારણે ભૂગર્ભ જળના સ્તર ઊંડા જતા સિંચાઈનો ગંભીર પ્રશ્ન સર્જાયો છે. આ ઉપરાંત, બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના ભાવમાં અસહ્ય વધારો થવાથી ખેડૂતો માટે બટાકાનું ઉત્પાદન ખર્ચ માથાના ફાડા સમાન બની ગયું છે. પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ જો કોઈ નવો ખેડૂત બટાકાની ખેતી કરે તો તેને પ્રતિ એકર અંદાજે ૭૦ હજાર રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે, જેની સામે યોગ્ય વળતર ન મળવાની ભીતિએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

આર્થિક જોખમ અને ગત વર્ષના કડવા અનુભવોને ધ્યાનમાં રાખીને સાબરકાંઠાના અંદાજે ૩૦ ટકાથી વધુ ખેડૂતોએ ચાલુ વર્ષે બટાકાનું વાવેતર સદંતર બંધ કરી દીધું છે. ખાસ કરીને હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઇડર અને વડાલી જેવા મુખ્ય તાલુકાઓમાં ખેડૂતોએ આર્થિક નુકસાનથી બચવા સાવચેતીનું પગલું ભર્યું છે. જોકે, ખેડૂતોની નારાજગી અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને બિયારણ પૂરું પાડતી અને પાક ખરીદતી ખાનગી કંપનીઓએ ટેકાના ભાગરૂપે ખરીદ ભાવમાં થોડો વધારો જાહેર કર્યો છે, છતાં વાતાવરણની અનિશ્ચિતતાના કારણે અનેક ખેડૂતો હજુ પણ દ્વિધામાં છે.

હાલમાં જિલ્લામાં દિવસે આકરી ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી એમ બેવડી રૂતુનો અનુભવ થઈ રહ્યો છે, જે બટાકાના પાકના વિકાસ માટે કેટલો અનુકૂળ રહેશે તે અંગે કૃષિ નિષ્ણાતો પણ ચિંતિત છે. પ્રાંતિજ અને હિંમતનગર પંથકમાં કેટલાક સાહસિક ખેડૂતોએ આગોતરું વાવેતર કરીને ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ગોઠવી દીધી છે અને પ્રવાહી ખાતર તથા દવાઓ દ્વારા પાકનું જતન શરૂ કર્યું છે. તેમ છતાં, આગામી ૨૦ દિવસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે જિલ્લામાં કુલ કેટલા હેક્ટરમાં બટાકાનું વાવેતર થાય છે અને આ વર્ષે ખેડૂતોને આ પાક નફાકારક સાબિત થાય છે કે નુકસાનકારક.

LATEST ARTICLES