માનવ જીવનની પાયાની જરૂરિયાતોમાં સ્વચ્છતા અને આરોગ્યનું સ્થાન હંમેશા સર્વોપરી રહ્યું છે. આપણે ઘર, રસ્તા કે જાહેર સ્થળોની સફાઈની વાતો તો અવારનવાર કરીએ છીએ, પરંતુ સ્વચ્છતાના સૌથી મહત્વપૂર્ણ અંગ એવા શૌચાલય અંગે આજે પણ સમાજમાં ખુલીને વાત કરવામાં સંકોચ અનુભવાય છે. હકીકતમાં, શૌચાલય માત્ર એક ભૌતિક સુવિધા નથી પરંતુ તે માનવગૌરવ, મહિલા સુરક્ષા, ઉત્તમ સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે સીધી રીતે જોડાયેલો મૂળભૂત અધિકાર છે. આ જ સંવેદનાને ધ્યાનમાં રાખીને અને સમાજમાં વ્યાપક જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે 19 નવેમ્બરના રોજ 'વિશ્વ શૌચાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2001માં સિંગાપોર સ્થિત 'વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન' દ્વારા શરૂ કરાયેલી આ સરાહનીય પહેલને વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી, જે વૈશ્વિક સ્તરે સ્વચ્છતાના મહત્વને પ્રસ્થાપિત કરે છે.
સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્ય-6 હેઠળ વર્ષ 2030 સુધીમાં વિશ્વના પ્રત્યેક નાગરિકને સુરક્ષિત સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવાનો મહત્ત્વપૂર્ણ સંકલ્પ લેવામાં આવ્યો છે. આ દિશામાં આગળ વધતા વર્ષ 2026 માટે 'સ્વચ્છતા અને લિંગ સમાનતા'ની થીમ નક્કી કરવામાં આવી છે, જે સ્પષ્ટ સંદેશ આપે છે કે સુરક્ષિત શૌચાલય એ મહિલાઓ અને કિશોરીઓના આત્મસન્માન તથા સુરક્ષાની પ્રાથમિક શરત છે. જો કે, વૈશ્વિક સ્તરે અનેક પ્રયાસો છતાં WHO અને યુનિસેફના ચોંકાવનારા અહેવાલો દર્શાવે છે કે આજે પણ વિશ્વની લગભગ 42 ટકા વસ્તી સુરક્ષિત સ્વચ્છતા સેવાઓથી વંચિત છે અને કરોડો લોકો મજબૂરવશ ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટે વિવશ છે. અસ્વચ્છતા અને ખુલ્લામાં શૌચને કારણે ફેલાતા ગંભીર ચેપી રોગો માત્ર બાળકોના શારીરિક અને માનસિક વિકાસને જ રૂંધતા નથી, પરંતુ પીવાના પાણીના કુદરતી સ્ત્રોતોને પણ પ્રદૂષિત કરે છે.
શૌચાલયનું ભૌતિક નિર્માણ એ સ્વચ્છતા તરફની માત્ર એક શરૂઆત છે, પરંતુ તેનો નિયમિત ઉપયોગ અને તેની યોગ્ય જાળવણી જ સાચા અર્થમાં એક સુસંસ્કૃત સમાજની ઓળખ બને છે. સ્વચ્છતાને માત્ર એક સરકારી અભિયાન કે ફરજ તરીકે જોવાની માનસિકતા બદલીને, તેને આપણી દૈનિક જીવનશૈલી અને સામાજિક જવાબદારી બનાવવી અનિવાર્ય છે. જ્યારે પ્રત્યેક નાગરિક આ બાબતે જાગૃત બનશે ત્યારે જ 'સ્વસ્થ અને સમૃદ્ધ ભારત'નું સ્વપ્ન હકીકતમાં પરિવર્તિત થશે.
