JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

રાજકોટમાં આગામી ૨૨મીએ જન્મજાત કરોડરજજુની ખામી ધરાવતા બાળકો માટે વિશેષ જાગૃતિ અને માર્ગદર્શન સેમિનાર યોજાશે

Jamnagar Mirror
રાજકોટમાં રોટરી ક્લબ અને અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના સહયોગથી સ્પાઈના બાઈફિડાથી પીડાતા બાળકોની સર્વાંગી સંભાળ માટે આગામી રવિવારે નિઃશુલ્ક જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે, જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ૭૫થી વધુ બાળકો અને વાલીઓ ભાગ લેશે.

રાજકોટના એરપોર્ટ રોડ સ્થિત લલિતાલય ખાતે આગામી રવિવાર તા. ૨૨ના રોજ જન્મની ખામીઓનું નિવારણ તથા 'સ્પાઈના બિફિડા' (કરોડરજ્જુની ખામી) ધરાવતા બાળકોની સર્વાંગી સંભાળ વિષય પર એક ભવ્ય જાગૃતિ કાર્યક્રમ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ રાજકોટ મીડ ટાઉન, અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને મુંબઈના સ્પાઈના બાઈફિડા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ નિઃશુલ્ક કાર્યક્રમમાં માત્ર રજિસ્ટર્ડ થયેલા બાળકો અને તેમના માતા-પિતા જ ભાગ લેશે. આ ગંભીર ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ સામે જનજાગૃતિ ફેલાવવા અને અસરગ્રસ્ત બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ શહેરોમાંથી ૬૭ જેટલા બાળકો અને તેમના પરિવારો ઉપસ્થિત રહેશે.

આ એક દિવસીય કાર્યશાળામાં સવારથી જ વિવિધ રચનાત્મક અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોની નોંધણી, ઉદ્ઘાટન સમારોહ, કિટ અને વ્હીલચેર વિતરણ તેમજ બપોર પછી વાલીઓ માટે આઉટરીચ ક્લિનિક અને વ્યવહાર તાલીમ વર્કશોપનો સમાવેશ થાય છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલના ખ્યાતનામ પેડિયાટ્રિક સર્જન ડો. સંતોષ કર્માકર વિશેષ ઉપસ્થિત રહી વાલીઓને માર્ગદર્શન પૂરું પાડશે. આ ઉપરાંત, જરૂરિયાતમંદ બાળકોને રોલેક્સ રિંગ્સ લિમિટેડના સહયોગથી વ્હીલચેર અર્પણ કરવામાં આવશે તેમજ દિવ્યાંગો માટેની સરકારી યોજનાઓની માહિતી આપતી પુસ્તિકાઓનું પણ વિતરણ કરાશે. આ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.

રાજકોટમાં વર્ષ ૨૦૧૯થી નિઃસ્વાર્થભાવે કાર્યરત 'સ્પાઈના બાયફિડા ક્લિનિક' દ્વારા આ બાળકોના પુનર્વસન માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. આ ક્લિનિકમાં બાળ સર્જન, ન્યુરો સર્જન, પીડિયાટ્રિક યુરો સર્જન, ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ, ઓર્થોટિક નિષ્ણાત અને કાઉન્સેલર સહિતના સાત જેટલા તબીબોની નિષ્ણાત ટીમ દર મહિનાના બીજા ગુરુવારે નિયમિત સેવાઓ આપે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અગાઉ શનિવારે વિવિધ કોલેજો અને આઈએમએ (IMA) ના સભ્યો માટે પણ સેમિનારોનું આયોજન કરાયું છે. તબીબો અને ટ્રસ્ટના સહયોગથી યોજાનારી આ પહેલથી અસરગ્રસ્ત પરિવારોને જટિલ તબીબી પરિસ્થિતિઓનો સામનો કરવામાં મોટી રાહત મળશે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.

LATEST ARTICLES